દમણ : દેશના 28 રાજ્યો અને 20 દેશોમાં રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપવા રચાયેલ સેલ્યુટ તિરંગા સંગઠન દ્વારા દાદરા નગર હવેલી અને દમણમાં પ્રદેશ અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી છે. જે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાં, મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ રવિભાઈ ચીકારા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ દમણ, દીવ, દાદરા નગર હવેલીના પ્રભારી ઉત્તમભાઈ પટેલે ઉપસ્થિત રહી એક બેઠકનું આયોજન કર્યું હતું.
શ્રીનગરમાં તિરંગા યાત્રા : આ બેઠક દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાએ સેલ્યુટ તિરંગાના આગામી કાર્યક્રમોની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે, શહીદ પરિવારોના સન્માન જેવા કાર્યક્રમો સાથે સંગઠન આગામી 1 ઓગસ્ટના રોજ શ્રીનગર ખાતે 10 હજાર લોકોને તિરંગા આપી ભવ્ય તિરંગા યાત્રા કાઢશે. શ્રીનગરમાં ભવ્ય શિકારા સ્પર્ધાનું આયોજન કરી ઇનામ વિતરણ કાર્યક્રમ યોજશે. કાશ્મીરમાં આ દ્રશ્ય અદ્ભુત હશે. જેમાં હિંદુ મુસ્લિમ તમામ સમાજના લોકોને જોડવામાં આવશે.
સેલ્યુટ તિરંગાના આગામી કાર્યક્રમ : આ તિરંગા યાત્રા બાદ આગામી 15, 16 અને 17 સપ્ટેમ્બરે પણ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દિલ્હીમાં થશે. જેમાં 15મીએ દિલ્હીમાં તિરંગા યાત્રા, 16મીએ દિલ્હીથી ઋષિકેશ સુધીની વાહનો સાથેની તિરંગા યાત્રા અને 17મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ગંગા-તિરંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉપરાંત 25 ડિસેમ્બર, અટલબિહારી વાજપાઇના જન્મદિવસ નિમિતે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં અટલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રામાં દેશના પ્રતિષ્ઠિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. ખેલ, શિક્ષણ, સમાજ સેવા ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે આગામી દિવસોમાં IPL જેવી ક્રિકેટ લીગ મેચનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઓલમ્પિક ગેમમાં દેશના યુવાનોની પ્રતિભા નિખરે તે માટે વિવિધ રમતોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણને ધ્યાને રાખીને દેશભરમાં 100 કરોડથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે.
- 2024 માં NDA ને સ્પષ્ટ બહુમતી મળી નથી, તે દુર્ભાગ્યપૂર્ણ છે : રાજેશકુમાર ઝા
સેલ્યુટ તિરંગામાં દેશના નાગરિકો ઉપરાંત 50 જેટલા સાંસદ, મંત્રીઓ અને ખુદ વડાપ્રધાન, ગૃહમંત્રી સહિતના મહાનુભાવો પણ આ સંસ્થાને સતત પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાએ મોદી 3.0 સરકાર અંગે જણાવ્યું કે, વર્ષ 2014 બાદ યોજાયેલી ચૂંટણીમાં NDAને સ્પષ્ટ બહુમતી મળી હતી. પરંતુ 2024 માં તે સ્પષ્ટ બહુમતી મળી નથી. દસ વર્ષમાં મોદીએ ભારતને શિખર પર લાવવાનું કામ કર્યું છે. વિકાસના અનેક એવા કામ આ સરકારમાં થયા છે. તેમ છતાં આ સરકારને 2024 માં જે સીટ મળવી જોઈતી હતી, તે દુર્ભાગ્યપૂર્ણ મળી નથી.
- INDIA ગઠબંધનના દળો પણ NDA માં જોડાશે : રાજેશકુમાર ઝા
NDA માં અન્ય ઘટક દળોને લઈને સરકાર રચાઈ છે. જે અંગે જે પણ ચર્ચા ચાલે છે કે આ સરકાર વધુ ટકશે નહિ. તે અંગે તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ઘટક દળ મોદીની સાથે જ રહેશે અને નવા ભારતના નિર્માણમાં યોગદાન આપશે. સરકાર પાંચ વર્ષ ચાલશે અને આગામી દિવસોમાં INDIA ગઠબંધનના દળો પણ NDA માં જોડાશે.
- RSS ના નિવેદન અંગે પૂર્ણવિરામ મુકાઈ જશે, અયોધ્યામાં હાર દુર્ભાગ્યપૂર્ણ : રાજેશકુમાર ઝા
RSS ના સુપ્રીમોએ NDA પર આપેલા નિવેદન અંગે જણાવતા રાજેશકુમારે કહ્યું કે, આ નિવેદન પર અને RSS સાથે જે મતભેદ છે તેના પર આગામી દિવસમાં પૂર્ણવિરામ મુકાઈ જશે. આ નિવેદન RSS નું નહિ પરંતુ તેના સુપ્રીમોનું વ્યક્તિગત નિવેદન છે. 2024 ચૂંટણીમાં અયોધ્યામાં NDA ની હારના મુદ્દે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેન્દ્ર કુમાર ઝાએ જણાવ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ મંદિરને રાજનીતિ સાથે જોડવું જોઈએ નહીં. ચૂંટણીમાં અનેક મુદ્દાઓ હોય છે અને તે આધારે પરિણામ બદલાતું હોય છે. આ ચૂંટણીમાં NDA અને INDIA ગઠબંધન પોતાના મુદ્દા લઈને આવ્યા હતા. અયોધ્યામાં સરકારે અનેક કામ કર્યા બાદ પણ હાર થઈ છે. એ દુઃખદ છે, આ મુદ્દાને રાજનીતિ સાથે જોડવો જોઈએ નહીં.
દમણમાં સેલ્યુટ તિરંગાની બેઠક : ઉલ્લેખનીય છે કે, સેલ્યુટ તિરંગા દ્વારા દમણમાં યોજાયેલમાં બેઠકમાં સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશકુમાર ઝાં, મહારાષ્ટ્ર રાજ્યના અધ્યક્ષ રવિભાઈ ચીકારા અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ દમણ, દીવ, દાદરા નગર હવેલીના પ્રભારી ઉત્તમભાઈ પટેલે આ પ્રદેશમાં નવ નિયુક્ત કરેલા દાદરા નગર હવેલી દમણ દીવના પ્રદેશ અધ્યક્ષ ડૉ. વિનય સિંહ અને દમણના પ્રદેશ અધ્યક્ષ સુભાષ પટેલને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મહારાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ શ્રમિક જૈન અને દમણ, દાદરા નગર હવેલી તેમજ વલસાડ જિલ્લાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.