સાબરકાંઠાઃ જિલ્લાના વડાલીના વેડા ગામે આજે બપોરે યુવકે એક પાર્સલ ખોલતા ભયંકર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં પિતા અને પુત્રીના કરુણ મૃત્યુ થયા છે. તેમજ પરિવારના અન્ય 2 ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ છે. આ પાર્સલ કોઈ અજાણ્યો રીક્ષા ચાલક આપી ગયો હતો. આ બ્લાસ્ટનો ધડાકો 1 કિલોમીટર સુધી સંભળાયો હતો. આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સહિત એલસીબી, એફએસએલની ટીમો ઘટનાસ્થળે તપાસ કરી રહી છે.
પિતા પુત્રીનું મૃત્યુઃ સાબરકાંઠના વડાલીના વેડા ગામે આજે બપોર બાદ અજાણ્યા રીક્ષા ચાલકે એક પાર્સલ આપ્યું હતું. જેને સ્થાનિક યુવક જીતેન્દ્ર વણઝારા સહિત આસપાસ એકઠા થયેલા બાળકોની વચ્ચે ખોલવા જતા અચાનક જ ભયંકર બ્લાસ્ટ સર્જાયો હતો. બ્લાસ્ટના લીધે જીતેન્દ્ર વણઝારા સહિત તેમની 9 વર્ષની પુત્રી ભૂમિકા વણઝારાનું મૃત્યુ થયું છે. તેમજ અન્ય 2 સગીરાઓ ગંભીર રીતે દાજી ગઈ છે. આ બંને દીકરીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઈ છે. જેમાંથી 1 સગીરાની સ્થિતિ ગંભીર છે. બ્લાસ્ટ ના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો છે.
કમકમાટી ભર્યો એક્સ રેઃ આ પાર્સલ બ્લાસ્ટમાં પિતા પુત્રીના કરુણ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય 2 દીકરીઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. આ દીકરીઓના એકસ રે જોનારને કમકમાટી છુટી જાય છે કારણ કે, એક્સ રેમાં લોખંડના ટુકડાઓ સહિત તાર દેખાય છે. જેના પરથી દેશી બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. એફએસએલ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આરોપી ઝડપાયોઃ સાબરકાંઠામાં વડાલી બ્લાસ્ટ મામલે નવો વળાંક સામે આવ્યો છે. આ સમગ્ર ઘટનાના મૂળમાં પ્રેમસંબંધ કારણભૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતકનો પ્રેમસંબંધ તેના અને તેની દીકરીના મૃત્યુનું કારણ બન્યો છે. સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે જયંતિ વણઝારા નામના આરોપીની ધરપકડ કરી લીધી છે. આરોપીએ જીલેટિન બ્લાસ્ટ કરાવીને જીતેન્દ્ર વણઝારાને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યુ હતું. આરોપીએ ષડયંત્ર રચીને બોમ્બ મૃતકના ઘર સુધી પહોંચાડ્યો હતો. આરોપી જયંતિ વણઝારાનું ષડયંત્ર સફળ રહ્યું અને જીતેન્દ્ર વણઝારા અને તેની નિર્દોષ દીકરીએ જીવથી હાથ ધોવા પડ્યા.
મારા ભાઈને એક અજાણ્યા રીક્ષાવાળાએ આ પાર્સલ આપ્યું હતું. આ એક સાજીશ છે જેમાં મારા મોટાભાઈ અને ભત્રીજીના મૃત્યુ થયા છે. જ્યારે 2 ભત્રીજીઓ ગંભીર રીતે ઘાયલ થઈ છે...રવિન્દ્ર વણઝારા(મૃતકના ભાઈ, વેડા)
અમારે ત્યાં 3 સગીરા ગંભીર રીતે ઘાયલ થયેલ આવી હતી. આ ત્રણેયને હિંમતનગર સિવિલમાં હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલી આપી છે...વિપુલ જાની(ડોક્ટર ઇન્ચાર્જ આર.એમ.ઓ., સાબરકાંઠા)