સાબરકાંઠા : સામાન્ય રીતે આજની તારીખે પણ ગ્રામ્ય વિસ્તારમાં હાથી સાથે સાધુઓ આવે તો લોકો શ્રદ્ધા ભાવથી નમે છે અને દાન-દક્ષિણા પણ આપતા હોય છે. જોકે, હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાં હાથીના દર્શન કરવા જતા એક પરિવારે રૂપિયા 30 લાખ ગુમાવ્યા હોવાનું ખુલતા સ્થાનિક વિસ્તારમાં ભારે હડકમ સર્જાયો હતો. આ મામલે એક આરોપી ઝડપાયો છે.
ધાર્મિક વિધિના નામે છેતરપિંડી : સાબરકાંઠાના ગાંભોઈના રામપુર ગામના મનોહરસિંહ ચૌહાણ નિવૃત્ત બેંક કર્મચારી છે. જેમને 15 દિવસ અગાઉ હાથી સાથે નીકળેલા ચાર સાધુઓએ રસ્તામાં રોકી રુ. 100 ની દક્ષિણા માંગી હતી. જોકે ત્યારબાદ તેમની પાસે રૂ. 3,000 ઘીના ડબ્બા પેટે માંગ્યા હતા. જે આપતા ચાર સાધુઓએ અલગ અલગ દિવસે ફરિયાદીના ઘરે પહોંચી તાંત્રિક વિધિની શરૂઆત કરી હતી.
રૂપિયા 30 લાખ પડાવ્યા : આરોપીઓએ ઘરમાં મેલી વિદ્યાનો પ્રયોગ થયા હોવાનું જણાવી આગામી સમયમાં જો કોઈપણ અયોગ્ય કામ થશે તો ઘરના તમામ લોકોનું મૃત્યુ થવાનો ભય બતાવ્યો હતો. જોકે મૃત્યુ થવાનો ભય બતાવતા મનોહરસિંહ ચૌહાણ ભોળવાયા અને 15 દિવસમાં રૂપિયા 30 લાખ જેટલી રકમ ચાર આરોપીઓને અલગ અલગ જગ્યાએ આપી હતી.
એક આરોપી ઝડપાયો : આ મામલે બાદમાં હિંમતનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાબરકાંઠા જિલ્લા પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. તેમજ અન્ય ત્રણ લોકોની શોધખોળ હાથ ધરી છે. સાથોસાથ અંધશ્રદ્ધા મામલે સાવચેત થવા પણ પોલીસે અપીલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો બનાવ્યો છે.