સાબરકાંઠા: સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા છેલ્લા કેટલાય સમયથી ચેરમેન તેમજ વાઇસ ચેરમેનની ચૂંટણી પૂરી ન થતા લાખો પશુપાલકો માટેનો દૂધનો વાર્ષિક ભાવ વધારો હજુ પણ અટકી ગયો છે. ત્યારે આજે સાબર ડેરી દ્વારા ઇતિહાસમાં પહેલીવાર વધારાની ખાસ સાધારણ સભા બોલાવી તેમજ ચેરમેનનોની હાજરીમાં જ દૂધ વધારો જાહેર કરવાનો નિર્ણય કરાયો છે. જેથી આગામી સમયમાં દિન પ્રતિદિન વધતો જતો પશુપાલકોનો રોષ ખાળી શકાય.
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા માટે સાબર ડેરીએ આર્થિક સધ્ધરતાનું મહત્વનું પરિબળ છે. જોકે બંને જિલ્લાઓમાં વસતા સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે વાર્ષિક દૂધનો ભાવ ફેર એક સાથે યોગ્ય સમયે મલે તે માટે કેટલી વાર રજૂઆતો થઈ ચુકી છે. ત્યારે હજુ સુધી સાબર ડેરી નિયામક મંડળના ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી ન યોજાતા આખરે આજે નિયામક મંડળ દ્વારા આગામી 31 તારીખે વધારાની ખાસ સાધારણ સભા બોલાવાય છે. જેમાં પશુપાલકો સહિત 1200 થી વધારે દૂધ મંડળીઓના ચેરમેનોની હાજરીમાં જ વાર્ષિક ભાવ ફેર રજૂ કરવાનું પ્રદાન કરાયું છે.
જોકે પશુપાલકો આ મામલે છેલ્લા કેટલાય સમયથી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે. ત્યારે આગામી 31 તારીખે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકો માટે મહત્વનો દિવસ સાબિત થાય તેમ છે. 31 મી જુલાઇના રોજ સાબર ડેરીના હોલમાં દૂધનો વાર્ષિક ભાવ રજૂ થવાનો છે. જોકે સાબર ડેરીના ઇતિહાસમાં દૂધનો ભાવ વધારો આપવા માટે વિશેષ સાધારણ સભા બોલાવાઈ હોય તેવો આ પ્રથમ બનાવ છે.