રાજકોટ: રજવાડાના સમયમાં ગોંડલ એટલે પ્રજાવત્સલ રાજવીના રજવાડા તરીકે ખ્યાતિ પામેલ રજવાડું. ગોંડલના 17 માં ઉત્તરાધિકારી રાજવીના રાજતિલક મહોત્સવનો નવલખા દરબારગઢ ખાતે પ્રારંભ થઈ ચૂક્યો છે. ગોંડલના 17 માં ઉતરાધિકારી મહારાજા તરીકે હિમાંશુસિંહજીની રાજતિલક વિધિ થઈ રહી છે, ત્યારે રાજતિલક મહોત્સવને લઈને રાજવી ઠાઠ સાથે વિશાળ જલયાત્રા ગોંડલના રાજમાર્ગો ઉપર નીકળી હતી. તારીખ 19 થી 23 જાન્યુઆરી સુધી ચાલનારા આ પાંચ દિવસના રાજતિલક મહોત્સવમાં રાજસુયજ્ઞ, ભવ્ય જલયાત્રા, નગરયાત્રા સહિતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
ગોંડલના 17માં રાજવી: રજવાડાના સમયથી જ રાજતિલક મહોત્સવમાં શાસ્ત્રો મુજબ જલયાત્રાનું ખૂબજ મહત્વ રહ્યું છે. રાજાશાહીયુગમાં રાજવીના રાજતિલક વેળાએ જુદા-જુદા સમુદ્રો, નદીઓ, કૂવાઓ સહિતના જલ એકઠા કરીને આ જલ વડે રાજવીને સ્નાન કરાવીને રાજગાદી ઉપર બેસાડવામાં આવતા હોય છે, ત્યારે ગોંડલના 17માં ઉત્તરાધિકારી રાજવી તરીકે હિમાંશસિંહજીની રાજતિલક વિધિ થઈ રહી છે.
રાજતિલક વિધિ: રાજતિલક વિધિને લઈને દેશભરના સમુદ્રોનું જલ, દેશની જુદી-જુદી 16 નદીઓનું જળ, વિવિધ કૂવાઓનું જળ સાથે વિશાળ જળયાત્રા રાજવી પરિવારના કુળદેવી શ્રી આશાપુરા માતાજીના મંદિરેથી નીકળી હતી. આશાપુરા મંદિર ખાતેથી માતાજીની પૂજા સાથે નીકળેલી આ જળયાત્રામાં 2100 કરતા વધુ દિકરીઓ પવિત્ર જળ કુંભ સાથે જોડાઈ હતી. બેન્ડ વાજા સાથે વાજતે-ગાજતે નીકળેલી આ રાજતિલક મહોત્સવની જળયાત્રા દરમિયાન 2100 કરતા વધુ દિકરીઓ સાથેની જલયાત્રાએ એક રેકોર્ડ સર્જ્યો છે. 2100 દીકરીઓ એક સાથે જળ લઈને જતી હોઈ તેવો ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થશે.
ગોંડલમાં નીકળી શાહી જળ કળશ યાત્રા: ગોંડલના 17માં ઉત્તરાધિકારીની આ જળયાત્રામાં ગોંડલ રાજ્ય હેઠળ આવેલા રાજ્યના ગોંડલ, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર સહિતના શહેરોના રાજકીય, સામાજિક આગેવાનો તેમજ વિવિધ મહિલા મંડળો સહિતના લોકો જોડાયા હતા. ગોંડલના જુદા-જુદા રાજમાર્ગો ઉપર નીકળેલી આ રાજતિલક મહોત્સવની જલયાત્રા શહેરજનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, સાધુ-સંતો, આગેવાનો દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના માંડવી ચોક થઈને જળ યાત્રા રાજતિલક મહોત્સવ સ્થળ નવલખા દરબારગઢ ખાતે પહોંચી હતી જ્યાં તમામ જળ કળશધારી દિકરીઓનું રાજમાતા કુમુદકુમારી બા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.