દાહોદ : સંજેલી તાલુકાના જીતપુરા ગામના નદી ફળીયામાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતીના ઘરમાં બુકાનીધારી લુંટારૂઓએ લૂંટ ચલાવી હતી. આ દરમિયાન મકાન માલિક જાગી જતા તેમને આરોપીઓએ મૂઢ માર્યો હતો. સારવાર દરમિયાન મકાનમાલિક મૃત્યુ થતાં દાહોદ પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંજેલીમાં લૂંટારૂ ત્રાટક્યા : સંજેલી તાલુકાના જીતપુરા ગામના નદી ફળિયામાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી રહે છે. આ અંગે મળતી માહિતી અનુસાર ગતરાત્રીના સમયે નિવૃત શિક્ષક દિપસિંહ પલાસ અને રાજમોહિનાબેન પલાસ સિંગવડ તાલુકાના પીપળીયા ગામે સામાજિક પ્રસંગમાં હાજરી આપી ઘરે પરત આવ્યા બાદ સુતા હતા. રાત્રે લગભગ અઢી વાગ્યાના સમયે બુકાનીધારીઓએ ઘરમાં ઘૂસ્યા હતા.
મકાન માલિક પર કર્યો હુમલો : લૂંટારુઓ ઘરમાં ઘુસતા મકાન માલિક દિપસિંહ પલાશ જાગી ગયા હતા. જોકે ઓળખ છતી થવાના ડરથી લૂંટારૂઓએ દિપસિંહના ગળાના ડાબા ભાગે કુહાડીના ઘા મારી તથા ખભાના ભાગે અને જમણા હાથ પર માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. ઉપરાંત તેમના પત્નીને પણ મૂઢ માર માર્યો હતો.
લાખો રૂપિયાની લૂંટ : શિક્ષક દંપતીને બાદમાં લીધા બાદ લૂંટારુઓએ સાડા પાંચ તોલાનું મંગળસૂત્ર, 4 તોલાનું સોનાનું લોકેટ, 3 તોલા સોનાની ચેન સહિત કુલ રૂ. 4.75 લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી ટાવેરા ગાડીમાં લૂંટારૂ ટોળકી ફરાર થઈ હતી.
ઈજાગ્રસ્ત પુરુષનું મોત : મહિલાએ પોતાના સ્વજનોને જાણ કરતા ગામના સરપંચ તથા પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોલીસને જાણ કરી હતી. પુરુષની હાલત ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર અર્થે સંજેલી હોસ્પિટલમાં મોકલ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમની સ્થિતિ નાજુક હોવાથી વધુ સારવાર અર્થ દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલ્યા હતા. જોકે સારવાર દરમિયાન દિપસિંહ પલાશનું મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસ : દાહોદ પોલીસને આ બનાવની જાણકારી મળતા જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલા, DYSP, ડોગ સ્કોડ, LCB અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા લૂંટમાં ઉપયોગ થયેલ ટાવેરા ગાડી જીતપુરા ગામથી લગભગ 5 Km દૂર સંતરામપુર પંથક આવેલ ગાંઠિયા ધોળી ઘાટીના જંગલમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી.
લૂંટ વીથ મર્ડર : આ મામલે DySP ડી. આર. પટેલે જણાવ્યું કે, સંજેલી પોલીસ સ્ટેશનના જેતપુરા ગામે લૂંટ વીથ મર્ડર બનાવ બન્યો છે. ફરિયાદીના ઘરે ગતરાત્રે અઢી વાગ્યાના સમયે અજાણ્યા ઈસમોએ લૂંટ કરી હતી. ફરિયાદી જાગી જતા આરોપીઓએ તેમના પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જે અનુસંધાને સંજેલી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 397,394,302 મુજબ ગુનો નોંધી હાલ તપાસ ચાલુ છે.