પાલનપુર: વહેલી સવારે ટ્યુશન કરાવવા માટે એકટીવા લઈને નીકળેલા શિક્ષકનો મોબાઈલ અજાણ્યા શખ્સે ચાલુ એક્ટિવાએ ઝૂંટવવાનો પ્રયાસ કરતા તે એક્ટિવા સાથે રોડ પર પછડાયા હતા. જે બાદ તેઓ ઉભા થઈને ભાગવા લાગ્યા તો અજાણ્યા ચાર શખ્સો તેમની પાછળ દોડ્યા હતા અને ગદડાપાટુનો માર મારી મોબાઈલની લૂંટ કરી નાસી છૂટ્યા હતા.


મોબાઈલની લૂંટ અને માર માર્યાની આ સમગ્ર નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. તાજપુરા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં બદમાશોના આટલી હદે હોસલા બુલંદ થતા કાયદાની પરિસ્થિતિ સામે અનેક અણિયાળા સવાલો ઉઠી રહ્યા છે. ઘટના બાદ વિસ્તારના રહીશોમાં હાલ તો ભયનો માહોલ છે.

જોકે ઘટના બાદ પશ્ચિમ પોલીસ મથકે લૂંટ અને મારપીટ કરનારા અજાણ્યા ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ખુલ્લેઆમ વિસ્તારમાં લૂંટ કરી ભયનો માહોલ પેદા કરનારા આ અજાણ્યા શખ્સો સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે જોવાનુ રહ્યુ.