રાજસ્થાન : બિકાનેર જિલ્લાના નોખા પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ વે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક ટ્રક અને ટવેરા કાર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટવેરામાં મુસાફરી કરી રહેલા પાંચ લોકોના મોત થયા છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. ઘટનાની માહિતી મળતાં જ નોખા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ પણ ઘટનાસ્થળે પહોંચવા રવાના થઈ ગયા છે.
ગોઝારો અકસ્માત : પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમે જણાવ્યું કે, ટવેરા કારમાં સવાર બે મહિલા, બે પુરુષ અને એક બાળકનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ તમામ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે જ પાંચેય લોકોના મોત થયા હતા. તેમના મૃતદેહોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે. એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અને એક ટ્રક સામસામે અથડાયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે ટવેરા કાર સંપૂર્ણ રીતે ટ્રકની નીચે દબાઈ ગઈ હતી.
કારમાં સવાર ગુજરાતી પરિવાર : પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, ટવેરા કાર ગુજરાત નંબરની હતી. સંભવત: આ ગુજરાતી પરિવાર રાજસ્થાન આવી રહ્યો હતો અને શુક્રવારે અચાનક આ અકસ્માત થયો હતો. આ અંગે માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ક્રેનને બોલાવવામાં આવી હતી. ક્રેનની મદદથી ટ્રક અને ટવેરાને અલગ કરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા હતા.