વડોદરા: દર વર્ષે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાતા હોય છે. ત્યારે આ ભાવિ ભક્તો નગરચર્યાએ નીકળેલા ભગવાનના દર્શન કરવા આતુર બન્યા છે. મહાપ્રસાદ રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ 35 ટન શિરો અને હજારો કિલો કેળાનો પ્રસાદ ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિર ખાતે ભગવાનના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે અને ભાવિ ભક્તો દ્વારા "હરે ક્રિષ્ના, હરે રામના" નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આરૂઢ કરાવી શૃંગાર બાદ રથયાત્રાનો પ્રારંભ: પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. ભક્તોએ જય જગન્નાથ, હરે રામ હરે કૃષ્ણના નાદ સાથે ભગવાનને વધાવી લીધા તથા દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. રથયાત્રા પૂર્વે ઇસ્કોન મંદિરમાં શ્રૃંગાર દર્શન, આરતી, બપોરે રાજભોગ અને આરતી પછી ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામની કાષ્ઠની મૂર્તિઓ વિધિવત રીતે રથયાત્રા માટે રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવી આવશે. આ મૂર્તિઓને રથમાં આરૂઢ કરાવી શ્રૃંગાર અને આરતી બાદ બપોરે 3 કલાકે ભગવાનની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.
રથયાત્રાનો રૂટ: પરંપરાગત 43મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શહેરના રેલવે સ્ટેશન, કાલાઘોડા, સલાટવાળા નાક, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યૂબેલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોર્ટ/ન્યાયમંદિર, મદનઝાપા રોડ, કેવડાબાગ અને પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઈસ્કૂલ ખાતે સમાપન થયું હતું.
વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર: ઇસ્કોન મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું, પરંતુ સાથે સાથે રાજકારણીઓ પણ જોવા મળ્યા હતા. વડોદરા શહેરના મેયર પિન્કીબેન સોની, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ સહિત અનેક રાજકારણીઓ પહોંચી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ રથયાત્રામાં પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને 3 હજાર જેટલા પોલીસ કર્મી અધિકારીઓ ઉપસ્થિત રહી સંચાલન કર્યું હતું. સાથે સાથે વીએમસી કર્મચારીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા રથયાત્રા પાછળ પડનાર ફૂલોની સાફસફાઈ માટે પણ જોડાયા હતા.