કચ્છ: દેશ-વિદેશમાં એક પ્રતિષ્ઠિત પર્યટન સ્થળ તરીકે વિખ્યાત થઇ ચૂકેલા કચ્છના ધોરડો ખાતેના સફેદ રણમાં દર વર્ષે પ્રવાસીઓ માટે નવા નવા આકર્ષણો ઊભા કરવામાં આવતા હોય છે. "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા" પંક્તિને સાર્થક કરતું અને દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષતું રણોત્સવ કચ્છના સફેદ રણમાં યોજાય છે. વર્ષ 2005થી રણોત્સવની શરૂઆત થઈ હતી અને 3 દિવસનો યોજાતો રણોત્સવ હવે 124 દિવસ માટે યોજાઈ રહ્યો છે અને દર વર્ષે લાખો પ્રવાસીઓ કચ્છના સફેદ રણની મુલાકાતે આવે છે. ત્યારે રણોત્સવનું આયોજન કરતી કંપનીઓ દ્વારા પણ દર વર્ષે જુદી જુદી થીમો પર રણોત્સવ યોજાતું હોય છે.
કચ્છ ટુરીઝમ ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચ્યું: રણોત્સવ જે ગામ પાસે યોજાય છે. તે ધોરડો ગામને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લાં 2 દાયકામાં સરહદી જિલ્લો કચ્છ ટુરીઝમ ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચ્યું છે. વર્ષના અંતે પ્રવાસીઓ માટે કચ્છનું સફેદ રણ અને રણોત્સવ હોટ ફેવરેટ ડેસ્ટીનેશન બની ચૂક્યા છે.
પ્લાસ્ટિકનો ઉપયોગ ન્યૂનતમ થાય તેવો પ્રયાસ: કચ્છના સફેદ રણમાં યોજાતો રણોત્સવ એટલે કે, કચ્છની કળા, સંસ્કૃતિ, મહેમાનગતિ,પરંપરા, સંગીત અને ભાતીગળનો સંગમ, દર વર્ષે રણોત્સવમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન્યૂનતમ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. તેની સાથે જ લાકડાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે અને પ્રવાસીઓની ટેન્ટ સિટીમાં અવરજવર માટે ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા અને સાયકલોની સંખ્યામાં પણ વધારો કરવામાં આવે છે. પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું ધ્યાન રણોત્સવ દરમિયાન રાખવામાં આવે છે.
11 નવેમ્બર 2024થી 15 માર્ચ 2025 સુધી આયોજન: આ વર્ષે 11 નવેમ્બર 2024થી 15 માર્ચ 2025 સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળી વેકેશન પણ આ જ સમયગાળા દરમિયાન રહેતું હોય છે, ત્યારે કચ્છ અને ગુજરાત સહીત વિશ્વભરના પ્રવાસીઓએ રણોત્સવની ટેન્ટ સિટીમાં અગાઉથી જ બૂકીંગ કરાવતા હોય છે અને નિયત બુકિંગ મુજબ તેઓ આ વર્ષે રણોત્સવની મજા માણવા કચ્છ આવી પહોંચતા હોય છે. આ ઉપરાંત કચ્છનો અમૂલ્ય વારસો અને વૈશ્વિક ધરોહર વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધી રસ્તો બની જતા હવે પ્રવાસીઓ રોડ ટુ હેવન મારફતે સફેદ રણ ઉપરાંત વૈશ્વિક વિરાસત ધોળાવીરાનો નજારો પણ માણવા જતા હોય છે.
વર્ષ 2005માં રણોત્સવની શરૂઆત: વર્ષ 1992માં એક વખત પ્રવાસન વિભાગ દ્વારા કચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વર્ષે 2005માં રણોત્સવની શરૂઆત તે સમયના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાવવામાં આવી હતી અને તેઓ જાતે પણ કચ્છના રણોત્સવમાં હાજરી આપવા આવતા હતા. વર્ષ 2005થી હાલમાં 2024 સુધી દર વર્ષે રણોત્સવમાં સુધારા આવ્યા છે અને દર વર્ષે અલગ સ્તર પર રણોત્સવને લઇ જવામાં આવી રહ્યું છે.
આ વર્ષે પ્રવાસીઓને રાહ જોવી પડશે: રણોત્સવમાં આવેલ ટેન્ટ સિટીમાં 350 જેટલા ટેન્ટ હોય છે. રણોત્સવમાં ધરતી પર જાણે દૂર દૂર સુધી સફેદ ચાદર બિછાવવામાં આવી હોય તેવો કુદરતી નજારો જોવા માટે પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે આવતા હોય છે. જોકે આ વર્ષે હજુ સુધી કચ્છના રણમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયેલું છે અને મીઠું પાક્યું નથી. ત્યારે આ વર્ષે સફેદ રણનો નજારો માણવા પ્રવાસીઓને રાહ જોવી પડશે.
કચ્છની કલા અને સંસ્કૃતિના દર્શન: રણોત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના પગલે ગુજરાત ટુરીઝમ વિભાગ અને રાજય સરકારને કરોડો રૂપિયાની આવક ઉભી થાય છે. ઉપરાંત દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છની કલા અને સંસ્કૃતિના દર્શન કરે છે અને કચ્છની મહેમાનગતિથી પ્રભાવિત થાય છે. દર વર્ષે રણોત્સવમાં આવતા પ્રવાસીઓ કચ્છની વિવિધ હસ્તકલાની વિવિધ વસ્તુઓ ખરીદી કરી શકે તે માટે હસ્તકલા સ્ટોલ ઉભા કરવામાં આવે છે અને સ્થાનિક કારીગરોને પણ રોજગારી મળી રહે છે.
દર વર્ષે જુદી થીમ પર યોજાય છે રણોત્સવ: દર વર્ષે રણોત્સવમાં અવનવા આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવે છે. દર વર્ષે જુદી જુદી થીમ પર રણોત્સવનો આયોજન કરવામાં આવતો હોય છે. રણોત્સવમાં અતુલ્ય ભારત, રણ કે રંગ, રણ કી કહાનીયા વગેરે જેવી થીમ રાખવામાં આવે છે. સફેદ રણમાં દર વર્ષે પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી 4 મહિના માટે બંધાય છે. જેમાં 350 જેટલા ટેન્ટ નવ ક્લસ્ટરમાં ગોઠવવામાં આવે છે. આ ઉપરાંત દર વર્ષે કચ્છના દરેક ખૂણાના કારીગરો માટે લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવે છે, જેમાં જિલ્લાની આઠ ખ્યાતનામ હસ્તકળા માટે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવે છે.
આ વર્ષે 124 દિવસ માટે રણોત્સવ યોજાશે: રણોત્સવની જ્યારે શરૂઆત થઈ હતી, ત્યારે માત્ર 3 દિવસના રણોત્સવ યોજાતો હતો. ભારતના લોકોને પણ ખબર ન હતી કે, મીઠાનો રણ પણ હોઈ શકે છે. દર વર્ષે જેમ રણોત્સવ યોજાતા ગયા તેવી રીતે સરકારે પણ રણોત્સવને વધુ ઉંચાઈઓ આપવા માટે પોતાના અનેક પ્રયત્નો કર્યા છે. રણોત્સવને સફળ બનાવવા માટે દરેક લોકોનો મહત્વનો ફાળો રહ્યો છે. દર વર્ષે યોજાતા રણોત્સવમાં નોંધનીય ફેરફારો કરવામાં આવતા હોય છે અને નવા નવા આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવતાં હોય છે. ઉપરાંત આવનારા વર્ષોમાં હજી પણ રણોત્સવમાં અનેક મોટા ફેરફારો જોવા મળશે. આ વર્ષે 124 દિવસ માટે રણોત્સવ યોજાશે.
2023-24 ના રણોત્સવમાં 4.24 લાખ પ્રવાસી આવ્યા: વર્ષ 2023-24માં યોજાયેલ રણોત્સવમાં 945 વિદેશી સહિત 4. 24 લાખ પ્રવાસી આવ્યા હતા અને સરકારને 3. 67 કરોડની આવક થઈ હતી. રણોત્સવ દરમિયાન ટેન્ટ સિટીનું આયોજન કરતી કંપની અને સરકાર દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, તહેવારો જેવા કે, દિવાળી, નાતાલ, ન્યુ યર, મકરસંક્રાંતિ, પોંગલ, ગણતંત્ર દિવસ, હોળી વગેરે જેવા તહેવારોની ઉજવણી પણ પ્રવાસીઓ સાથે મળીને કરવામાં આવતી હોય છે. ઉપરાંત અનેક સરકારી આયોજનો, કોન્ફરન્સ, MOU સમિટ વગેરેનું આયોજન પણ રણોત્સવ ખાતે કરવામાં આવતું હોય છે. ઉપરાંત પ્રવાસીઓ માટે વિવિધ એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટીનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.
આ પણ વાંચો: