કચ્છ: વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષતા કચ્છના જગવિખ્યાત સફેદરણમાં યોજાતા રણોત્સવ અને ટેન્ટસીટીનો પ્રારંભ થઈ ચૂક્યો છે, આ વર્ષે રણોત્સવ 15 માર્ચ સુધી ચાલશે. રણોત્સવના પ્રારંભે જ દેશ-વિદેશના પ્રવાસીઓ ઉમટ્યા હતા. તો રણોત્સવ જ્યાં યોજાય છે તે ગામ ધોરડો કે જેને યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ પણ મળ્યો છે. તો આ વર્ષે પ્રવાસીઓ સ્ટાર ગેઝીંગ, બર્ડ વૉચિંગ અને 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરાને માણવા માટે પણ આવ્યા છે.
125 દિવસ સુધી ચાલશે રણોત્સવ: રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કચ્છના ધોરડો સ્થિત સફેદ રણમાં દેશ-વિદેશના પ્રવાસીઓમાં આકર્ષતા રણોત્સવનો પ્રારંભ થયો છે.આ વર્ષે રણોત્સવ 11 નવેમ્બરથી 15 માર્ચ એટલે કે 125 દિવસ સુધી ચાલશે. આ વખતે રણોત્સવ અંતર્ગત નિર્માણ પામેલ ટેન્ટસિટીના રિસેપ્શનથી લઈને ટેન્ટ સહિતમાં આ વખતે કચ્છની કાળા કારીગરીને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પર્યાવરણની જાળવણી માટે કાળજી: કચ્છ ટુરીઝમ ક્ષેત્રે હવે વૈશ્વિક સ્તરે પહોંચ્યું છે. દર વર્ષે પ્રવાસીઓ માટે ડિસેમ્બર મહિનામાં કચ્છનું સફેદ રણ અને રણોત્સવ હોટ ફેવરેટ ડેસ્ટીનેશન બની ચૂક્યા છે. રણોત્સવ એટલે કે કચ્છની કળા,સંસ્કૃતિ, મહેમાનગતિ,પરંપરા,સંગીત અને ભાતીગળનો સંગમ. આ વર્ષે રણોત્સવમાં પ્લાસ્ટીકનો ન્યૂનતમ ઉપયોગ કરવામાં આવ્યો છે અને પર્યાવરણની જાળવણી માટે કાળજી રાખવામાં આવી છે. તો ટેન્ટ સિટીમાં પ્લાસ્ટિક ક્રસર મશીનનો પ્રયોગ હાથ ધરાયો છે.
રોડ ટુ હેવનનો અદભુત નજારો: દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છની કલાના નમુનાઓની ખરીદી કરી શકે તે માટે ટેન્ટસિટીની બહારની સાઈડમાં ક્રાફ્ટ સ્ટોલ તેમજ ફૂડ સ્ટોલ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે, તેમજ વોચ ટાવર પાસે સફેદ રણમાં કલ્ચર પ્રોગામ પણ યોજવામાં આવશે. દિવાળી વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે કચ્છ અને ગુજરાત સહીત દેશભરના પ્રવાસીઓએ રણોત્સવની ટેન્ટ સિટીમાં અગાઉથી જ બૂકીંગ કરી રાખ્યું છે અને નિયત બુકિંગ મુજબ તેઓ આ વર્ષે રણોત્સવની મજા માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. વૈશ્વિક ધરોહર વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધી રસ્તો બની જતા હવે પ્રવાસીઓ રોડ ટુ હેવનનો અદભુત નજારો માણીને સફેદ રણ ઉપરાંત વૈશ્વિક વિરાસત ધોળાવીરાનો નજારો પણ માણી શકશે. તો આ વર્ષે ડિસેમ્બર માસની પણ 90 ટકા એડવાન્સ બુકિંગ થઈ ચૂકી છે.
પ્લાસ્ટિક ક્રસર મશીન મૂકાયા: ટેન્ટસિટીના પીઆરઓ અમિત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ વખતે ટેન્ટસિટીના ખૂણે ખૂણે કચ્છની સંસ્કૃતિ જોવા મળશે દરેક ખૂણે ખૂણે વિશેષતા જોવા મળશે. ટેન્ટ સિટીમાં મોટાભાગના ટેન્ટ નવા લગાવવામાં આવ્યા છે અને ટેન્ટસિટી તેમજ સફેદ રણમાં પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેવી તકેદારી રાખવામાં આવશે. આ ઉપરાંત પ્લાસ્ટિક ક્રસર મશીન મૂકવામાં આવ્યા છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કર્યા બાદ પ્લાસ્ટિકનો રિયુઝ કરવામાં આવશે. દેશ-વિદેશમાં ખ્યાતનામ બનેલા કચ્છના રણોત્સવમાં આવતાં પ્રવાસીઓને કચ્છની કલા- કારીગરીથી વાકેફ કરાવવા ઠેકઠેકાણે કચ્છની કલાના નમુના પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
પ્રવાસીઓ માટે ખાસ સુવિધાઓ: આ ઉપરાંત ધોરડોના રણોત્સવ ખાતે આવતા પ્રવાસીઓને આકર્ષણ માટે ટેન્ટસિટીની સાથે સાથે ક્રાફટ સ્ટોલ, ફૂડ સ્ટોલ, ઍડવેન્ચર એક્ટિવિટી, થીમ પેવેલિયન, રોડ સાઈટ, બ્યુટીફિકેશન જેવા આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે તો પ્રવાસીઓની સુવિધા માટે હેલ્પ ડેસ્ક, મેડિકલ સુવિધાઓ, વોટર કાઉન્ટર, સિક્યોરિટી, પાર્કિંગ, ટોયલેટ સહિતની સુવિધાઓ તેમજ વિવિધ થીમ પર ઈન્સ્ટૉલેશન જેવી મનોરંજન સુવિધા ઊભી કરવામાં આવી છે.
ટેન્ટ સિટીમાં આ વર્ષે 400 જેટલા ટેન્ટ: રણોત્સવમાં ઊભી કરાયેલ ટેન્ટ સિટીમાં આ વર્ષે 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. રણોત્સવમાં ધરતી પર જાણે દુર દુર સુધી સફેદ ચાદર બિછાવવામાં આવી હોય તેવો કુદરતી નજારો જોવા માટે પ્રવાસીઓ સફેદરણની મુલાકાતે આવી રહ્યા છે.રણોત્સવમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભું કરશે.તો 1 નાઈટ થી 4 નાઈટ સુધીના પેકેજ પણ આ વખતે સમાવવામાં આવ્યા છે.
બર્ડ વૉચિંગ અને સ્ટાર ગેઝિંગનો આનંદ: વાપીથી આવેલ પ્રવાસી દીપા કામથે જણાવ્યું હતું કે, પોતાના પતિ સાથે કચ્છના સફેદ રણની મુલાકાત માટે તેઓ આવ્યા છે.માત્ર ટેન્ટ સિટીમાં રોકાવા નહીં પરંતુ તેની સાથે સાથે સફેદ રણનો અદભુત નજારો, છારી ઢઢ ખાતે વેટલેન્ડ વિસ્તારમાં બર્ડ વૉચિંગ માણવા તો સાથે જ કચ્છના સફેદ રણમાં સ્ટાર ગેઝિંગનો આનંદ માણવા માટે પણ આવ્યા છે તો રોડ ટુ હેવન અને 5000 વર્ષ જૂના હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરા માણવા તેમજ વિશ્વના શ્રેષ્ઠ 10 મ્યુઝીયમમાં સામેલ છે તે વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં પોતાનો જીવ ગુમાવનારા લોકોની યાદમાં બનાવવામાં આવેલ સ્મૃતિવનની મુલાકાત લેવા માટે આવ્યા છે.
કચ્છની સંસ્કૃતિ અને કળાના એક જ જગ્યાએ દર્શન: ઉત્તર પ્રદેશથી કચ્છના સફેદ રણની મુલાકાતે આવેલ યશસ્વીએ જણાવ્યું હતું કે, તેમની માતાએ ભારતના દરેક જગ્યાએ પ્રવાસ કરી લીધું છે માત્ર ગુજરાતમાં પ્રવાસ કરવાનું બાકી હતું જેથી તેમની ઈચ્છા પૂર્ણ કરવા તેઓ ગુજરાત આવ્યા છે અને ગુજરાત આવીને સોમનાથ અને દ્વારકાના દર્શન કર્યા બાદ કચ્છના રણમાં આવ્યા છે, અને ટેન્ટ સિટીમાં ખૂબ સારા સ્વાગત બાદ કચ્છના અલગ-અલગ પ્રવાસન સ્થળો માણવા માટે ઉત્સુક છે, તેવું જણાવ્યું હતું. જે રીતે ઇતિહાસના પુસ્તકોમાં કચ્છના હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરા વિશે સાંભળ્યું છે જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે દરજ્જો આપ્યો છે તે જોવા માટે પણ ઉત્સુક છે.તો સાથે જ કચ્છના રણોત્સવમાં કચ્છની સંસ્કૃતિ અને કળાના દર્શન એક જ જગ્યાએ થઈ રહ્યું છે તેથી કચ્છના રણોત્સવમાં આવીને ખુશ છે.