સુરત : સુરતના જનક ભાવેજાના ઘરે "રામ"નો જન્મ થયો છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ભારે ઉત્સાહ છે. ત્યારે આજના દિવસે હોસ્પિટલમાં જન્મેલા બાળકો અને બાળકીઓને તેમના માતા-પિતા રામ અને સીતાનું નામ આપી રહ્યા છે. સુરત શહેરમાં દિવાળી જેવો માહોલ છે. આજે પોતાના બાળકના જન્મને લઈને તેમના માતા-પિતા ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે આજના ઐતિહાસિક દિવસે પોતાના બાળકનો જન્મ બાળકો જીવનભરની યાદગીરી બની રહેશે. ઉપરાંત સુરતની ડાયમંડ હોસ્પિટલમાં આજના દિવસે નોર્મલ કે સીઝર ડિલિવરી નિઃશુલ્ક કરવામાં આવી રહી છે.
ઐતિહાસિક દિવસ : આજનો દિવસ દેશભરના લોકો માટે ઐતિહાસિક છે. 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યાના ભવ્ય મંદિરમાં ભગવાન રામ વિરાજમાન થશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ભારે ઉત્સાહ છે. ત્યારે સુરત શહેરના વિવિધ હોસ્પિટલોમાં જન્મ લેનાર બાળકો અને બાળકીઓને તેમના માતા-પિતા રામ અને સીતાનું નામ આપી રહ્યા છે. કારણ કે આજનો દિવસ જીવનભર માટેની સુવર્ણ યાદ બની રહેશે. આ પાવન પર્વ પર પોતાના બાળકના જન્મની ક્ષણ યાદગાર રહે આ માટે માતા-પિતા પોતાના બાળક અને બાળકીને સીતા અને રામનું નામ આપી રહ્યાં છે. સુરતની ડાયમંડ હોસ્પિટલમાં આજના દિવસે નિઃશુલ્ક ડિલિવરી કરવામાં આવશે.
નિશુલ્ક ડિલિવરી : ડાયમંડ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ડો. હરેશ ભાગડાએ જણાવ્યું હતું કે, આજે યાદગાર દિવસ છે જેની રાહ વર્ષોથી લોકો જોઈ રહ્યા હતા. અમારા હોસ્પિટલના ટ્રસ્ટીઓએ વિચાર્યું હતું કે જે પણ બાળકનો જન્મ આજે હોસ્પિટલમાં થશે, ભલે તે નોર્મલ ડિલિવરી હોય કે સિઝેરિયન તેમને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. સૌથી અગત્યની વાત છે કે અત્યાર સુધીમાં ચાર ડીલીવરી થઈ ગઈ છે. જ્યારે વીસ જેટલી ડિલિવરી થવાની બાકી છે. જે પણ બાળક અને બાળકી જન્મ લઈ રહી છે તેમનું નામ તેમના માતા-પિતા રામ અને સીતા રાખી રહ્યા છે.
જનકના ઘરે રામ અવતર્યા : આજે જન્મ લેનાર બાળકના પિતા જનકભાઈ ભાવેચાએ જણાવ્યું હતું કે, આજનો દિવસ અમારી માટે ખૂબ જ મહત્વનો છે. એક બાજુ જ્યાં અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે, આજના યાદગાર દિવસે અમારા ઘરે બાળકનો જન્મ થયો છે. સવારે બાળકનો જન્મ થતા અમે તેનું નામ "રામ" રાખ્યું છે.