પાટણ : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડીઓ નજીક છે. ત્યારે પાટણમાં અંબિકા શાકમાર્કેટના વેપારીઓએ સ્વયંભૂ રીતે શાકમાર્કેટને રોશનીથી ઝળહળતું કરી દીધું છે. વેપારીઓ પોતાની દુકાનો ઉપર ભગવાન શ્રીરામની ધજા પતાકાઓ લહેરાવી અયોધ્યામાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આતુર બન્યા છે.
શાક માર્કેટ રામમય બન્યું : 22 મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ત્યારે સમગ્ર દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને નિહાળવા લોકો આતુર બન્યા છે અને આ દિવ્ય અવસરને યાદગાર બનાવવા દરેક સ્થળો ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભગવાન રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના આ રૂડા અવસરમાં પાટણના પંચમુખી હનુમાન મંદિર પાસે આવેલા અંબિકા શાક માર્કેટના વેપારીઓ પણ હરખાઇ રહ્યાં છે.
સ્લોગનો લખવામાં આવ્યાં : વેપારીઓએ સમગ્ર માર્કેટને સ્વચ્છ કરી સ્વયંભૂ રીતે સમગ્ર માર્કેટને શણગારીને રોશનીથી ઝળહળતું કર્યું છે. વ્યાપારીઓએ પોતપોતાની દુકાનો ઉપર શ્રીરામની ધજા પતાકાઓ લહેરાવી માર્કેટને કેસરી રંગથી રંગ્યું છે તો શાક માર્કેટની દીવાલો ઉપર ભગવાન શ્રીરામના સ્લોગનો લખવામાં આવ્યા છે.
22 મીએ ભવ્ય શોભાયાત્રા : ભગવાન રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા તારીખ 21 મી જાન્યુઆરીના રોજ શાક માર્કેટના પરિસર ખાતે આવેલા નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં સાંજે ભગવાન સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમ જ તારીખ 22મી જાન્યુઆરીએ સવારે 9:30 કલાકે ભક્તિ સંગીતના સૂરો વચ્ચે ભગવાન રામની શોભાયાત્રા પ્રસ્થાન કરશે. જે પાટણ શહેરના વિવિધ માર્ગો ઉપર ફરી શાકમાર્કેટ ખાતે પરત ફરશે.. 22મી જાન્યુઆરીએ માર્કેટયાર્ડ સ્વયંભૂ બંધ રહેશે. આ દિવસે શાકભાજીની લારીગલ્લાવાળાઓ પણ પોતાના ધંધા બંધ રાખી આ ઐતિહાસિક ક્ષણના સહભાગી બનશે.