જામનગર: ભાઇ અને બહેનના પ્રેમના પ્રતીક રક્ષાબંધનનો આજે તહેવાર છે. ત્યારે જામનગર જિલ્લા જેલ ખાતે પણ આ તહેવારની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. ત્યારે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.
સ્નેહનું બંધન રક્ષાબંધન: ભાઈ અને બહેનનો સ્નેહ અને પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે રક્ષાબંધનનો તહેવાર. આ દિવસે બહેન પોતાના ભાઈના જીવનભરના સાથ અને તેમના ભાઈની લાંબી જિંદગી સલામત રહે તે ભાવ અને બંધન સાથે આજના તહેવારની ઉજવણી કરવામાં આવે છે ત્યારે જામનગરમાં જિલ્લા જેલમાં આજે બંદીવાન ભાઈઓને તેમના બહેન રક્ષા કાજે આ તહેવાર ઉજવી શકે તે માટે જેલમાં પણ રક્ષાબંધન ઉજવણી થઇ શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
જેલમાં જોવા મળ્યા ભાવુક દ્રશ્યો: જામનગર જેલમાં રહેલા બંદીવાન ભાઈઓને તેમની બહેનોને રાખડી બાંધી જેલમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને બહેનો દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે, આજના દિવસે ખુશી પણ છે અને દુઃખ પણ છે કે મારો ભાઈ જેલમાં છે. ત્યારે દરેક બહેન તેમના ભાઈઓને આવી રીતે રાખડી બાંધવા આવું ન પડે તેવું જણાવ્યું હતું અને વહેલામાં વહેલીતકે જેલમાંથી અમારા ભાઈ જેલમાંથી છૂટી જાય અને દરેકની માફક સમાજમાં ભળી જાય તેવી પ્રાર્થના કરી હતી.
દરેક જેલમાં ઉજવાય છે રક્ષાબંધન: રક્ષાબંધન એ ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પર્વ છે. આ પર્વની દેશભરમા ઉજવણી થઈ રહી છે. ત્યારે જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઈઓ પણ રક્ષાબંધનના પર્વથી કેમ બાકાત રહે તે માટે જેલ તંત્ર દ્રારા કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ગુજરાતની મોટા ભાગની જેલોમાં જે કેદીઓ સજા કાપી રહ્યાં છે, તે કેદીઓની બહેનો રાખડી બાંધવા માટે પહોંચી હતી.