જામનગર: જામનગરમાં વોર્ડ નં. 6માં ભાજપ કાર્યાલય ખાતે રાજપુત સમાજની મહિલાઓ- પુરુષો દોડી ગયા હતા અને સુત્રોચ્ચાર સાથે હંગામો મચાવ્યો હતો, આ પ્રકરણમાં મહિલાઓ સહિત 100 લોકો સામે સીટી-સી ડીવીઝનમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસી ફુટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
તોડફોડ, મારી નાખવાની ધમકી: જામનગરના યાદવનગર વિસ્તાર વોર્ડ નં. 6માં શનિવારે ભાજપ કાર્યાલય ખાતે રાજપુત સમાજના યુવાનો, મહિલાઓ સહિતના લોકો ત્યાં પહોચ્યા હતા અને કાર્યાલય ખાતે સભામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું, તેમજ ખુરશીઓ ઉલાળી નાખી હતી, આથી ભારે અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો અને આ બાબતે શહેરમાં ચર્ચા જાગી હતી.
સીસી ટીવીના આધારે પોલીસની તપાસ: ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં આ મામલે તોડફોડ, મારી નાખવાની ધમકી આપવા મુદ્દે ટોળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જયદીપસિંહ રવિન્દ્રસિંહ ઝાલા, હરદીપસિંહ ઉર્ફે બાપુડી દરબાર, નરેન્દ્રસિંહ જાડેજા, મીનાબા જાડેજા, પ્રજ્ઞાબા જાડેજા, અસ્મીતા પરમાર તથા અન્ય અજાણ્યા શખ્સો મળી અંદાજે 100 જેટલા લોકો સામે ફરીયાદ થઇ હતી. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, પોલીસ દ્વારા સીસી ટીવી ફુટેજના આધારે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ હોય તેની ઓળખ અને શોધખોળ કરીને કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
પ્રચાર રથ રોકનારાઓ સામે ફરીયાદ: દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે ભાજપના ઉમેદવારના પ્રચાર રથ કે, જે કલ્યાણપુરથી અન્યત્ર જવા નીકળ્યો હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ રથ રોકીને એલઇડી સિસ્ટમ અને ઇલેકટ્રીક સાધનોમાં તોડફોડ કરી હતી. આ મામલે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે અને સ્થાનિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.