રાજકોટ : કોટેચા ચોકમાં ગત રાત્રીના ફોર્ચ્યુનર ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા 10 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં પાંચથી વધુ લોકોને ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. તો અયોધ્યા ચોકમાં પણ એક એન્ડોવર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ત્રણ લોકોને ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બે અકસ્માત, 10થી વધુ ઇજાગ્રસ્ત : દિવાળીના પર્વમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળતો હોય છે. પરંતુ કેટલાક લોકો આ પર્વને પણ ગમગીનીમાં ફેલાવી દેતા હોય છે. રાજકોટમાં આવા બે અકસ્માત સર્જાયા હતા. બંને અકસ્માત કેવી રીતે સર્જાયા તે અંગે હાલ રાજકોટ પોલીસ તપાસ ચલાવી રહી છે. પરંતુ આવા અકસ્માતને લીધે દિવાળી જેવા મહત્વના તહેવારોમાં પણ કેટલાક પરિવારોમાં ગમગીની છવાઈ જતી હોય છે.
પ્રથમ અકસ્માત : એક ફોર્ચ્યુનર કાર ચાલકે બેફામ કાર ચલાવી અને કોટેચા ચોક નજીક 10થી વધુ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં પાંચથી વધુ લોકોને ઈજા થઈ હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં DCP ઝોન 2 જગદિશ બાંગરવા અને ACP સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કારચાલક હિરેન પ્રસાદિયાની અટક કરી આગળની કાર્યવાહી કરી હતી.
બીજો અકસ્માત : બીજી તરફ માધાપર ચોકડી પાસે આવેલા અયોધ્યા ચોકમાં પણ રાત્રીના સમયે એન્ડોવર ચાલકે બેફામ કાર ચલાવી અને એક બાઈક સવારને અડફેટે લીધો હતો. જેમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ આવા અનેક બનાવો રાત્રીના સમયે બન્યા હતા, જેના લીધે કેટલાક લોકોને ઈજા થઈ હતી.