મોરબી: રાજકોટના અગ્નિકાંડ મામલે પોલીસ દ્વારા આરોપી અશોકસિંહ જાડેજાને 7 દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઓશકસિંહ જાડેજા પોલીસકર્મીની મદદથી કોર્ટ સુધી પહોંચ્યો હતો. અશોકસિંહ જાડેજાના વકીલ દ્વારા અગાઉ આગોતરા જામીન અરજી પણ મૂકવામાં આવી હતી. જામીન મામલે સુનાવણી થાય એ પૂર્વે અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયા હતા. અત્યાર સુધીમાં 9 આરોપી જેલ હવાલે થઈ ચૂક્યા છે.
આરોપી અશોકસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં સ્પેશિયલ પીપી વકીલ તુષાર ગોકાણીએ દલીલ કરી હતી કે, અશોકસિંહ પ્રજ્ઞા ચક્ષુ છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ છે, પણ મૃત્યુ પામેલા 27 લોકોના પરિવારનુ શું? TRP ગેમ ઝોન અગ્નિકાંડનું ગેરકાયદે બાંધકામ કાયદેસર કરવા માટે અશોકસિંહ અને તેમના ભાઈના દબાણથી મહાનગરપાલિકા દ્વારા 4 મેના ગેમ ઝોનની અરજી આવી અને 9 મેના રોજ જવાબ આવ્યો. જોકે હકીકતમાં આ ડોક્યુમેન્ટ 26 મેના રોજ ઊભા કરવામાં આવ્યા હતા. જૂનું રજિસ્ટર મનપાએ સળગાવી નાખ્યું છે. પોલીસ દ્વારા IPCની કલમ 201નો ઉમેરો કરવા બબાતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. IPC 201 પુરાવાનો નાશ કરવા બાબતે લાગુ કરવામાં આવતી કલમ છે.
ગેમ ઝોનમાં કોની કેટલી ભાગીદારી હતી એ મામલે આરોપીની કરેલી પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મૃતક પ્રકાશ જૈન સૌથી મોટો 60 ટકાનો ભાગીદાર હતો. જ્યારે યુવરાજસિંહ સોલંકી-રાહુલ રાઠોડ 15-15 ટકાના ભાગીદાર હતા. જ્યારે ગેમ ઝોનની જગ્યાના માલિક કિરીટસિંહ જાડેજા અને અશોકસિંહ જાડેજાનો 5-5 ટકા ભાગ હોવાનું ખૂલ્યું હતું.