રાજકોટ: સરદાર ધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પર રાત્રિના અરસામાં કણકોટ મહુડી રોડ પર આવેલ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે PI સંજય પાદરીયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે જુનાગઢ ટ્રેનિંગ સેન્ટર ખાતે PI તરીકે ફરજ બજાવનારા સંજય પાદરીયા વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયંતી સરધારા દ્વારા ગુનો નોંધવવામાં આવ્યો છે. સંજય પાદરીયા દ્વારા જયંતિ સરધારાને 'સરદારધામના ઉપપ્રમુખ બનીને સમાજ સાથે ગદ્દારી કરી છે' તેમ કહી ગાળો આપવામાં આવી હતી. તેમજ જયંતિ સરધારાને માથાના ભાગે પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે.
લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા જયંતી સરધારા
પોલીસને આપેલી ફરિયાદમાં જયંતિ સરધારાએ જણાવ્યું છે કે, 25 નવેમ્બર 2024 ના રોજ મારા મિત્ર રમેશ કોટકના પુત્રના લગ્ન શ્યામ પાર્ટી પ્લોટ ખાતે યોજાયા હતા. જે પ્રસંગમાં હું હાજરી આપવા ગયો હતો. ત્યારે હું સમાજના અગ્રણી મિત્રો સાથે વાતચીત કરતો હતો. તે દરમિયાન એક વ્યક્તિ મારી પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે, હું સંજયભાઈ પાદરીયા PI છું અને જુનાગઢ SRP રિજિયનમાં છું અને તું સમાજનો ગદ્દાર " આવું કહી મને માર મારવાની કોશિશ કરવા જતા અન્ય અગ્રણીઓ દ્વારા વચ્ચે પડીને ઝઘડો અટકાવ્યો હતો.
ત્યારે આ સંજય પાદરીયાએ મને કહ્યું હતું કે, "નરેશ પટેલની સક્રિય ટીમમાં છું અને તે સરદારધામમાં ઉપપ્રમુખ બનીને ગદ્દારી કરી છે, જેથી હવે તને અહીંથી જીવતો જવા દેવો નથી". ત્યારબાદ પાર્ટી પ્લોટના પાર્કિંગમાં સંજય પાદરીયાએ મારી ગાડી પાર્કિંગમાં ઉભી રાખી મને કારમાંથી બહાર નીકળવા કહ્યું હતું. ત્યારબાદ સંજય પાદરીયાએ પોતાની પાસે રહેલા પિસ્તોલ જેવા કોઈ હથિયાર વડે સીધું મને માથાના ભાગે માર્યું, જેથી હું તરત જ નીચે પડી ગયો હતો. ત્યારબાદ સંજય પાદરીયાએ ઢીકા પાટુનો માર મારીને 'આજે તને પતાવી જ દેવો છે' તે પ્રકારની ધમકી આપી હતી.
સંજય પાદરીયાએ કહ્યું કે, ત્યારબાદ અજાણ્યા બે વ્યક્તિઓએ આવીને મને છોડાવ્યો હતો. તેમજ મને માથાના ભાગે બીજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
નરેશ પટેલના ઇશારે હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ
સમગ્ર ઘટના બાદ જયંતિ સરધારાએ હોસ્પિટલમાંથી મીડિયા સાથેની વાતચીતમાં પોતાના ઉપર હુમલો નરેશ પટેલના ઇશારે કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
જયંતી સરધારાની હાલ સારવાર ચાલુ, FSLએ સ્થળ તપાસ કરી
તપાસનીશ અધિકારી બી.જે.ચૌધરીના જણાવ્યા અનુસાર, મંગળવારના રોજ FSLને સાથે રાખીને સવારના સમયે બનાવ સ્થળની મુલાકાત લેવામાં આવી છે. બનાવ સ્થળેથી ફરિયાદી જયંતિ સરધારાના રુદ્રાક્ષના તૂટી ગયેલા મણકા મળી આવ્યા છે. તેમજ સંજય પાદરીયાના શર્ટના તૂટી ગયેલા બટનો પણ મળી આવ્યા છે. બનાવ સ્થળેથી બ્લડના સેમ્પલ પણ મળી આવ્યા છે. બનાવ સમયે PI પાસે હથિયાર હતું કે કેમ તે બાબતે CCTV ફૂટેજ હાલ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સીસીટીવી ફૂટેજને પરીક્ષણ અર્થે એફએસએલમાં મોકલવામાં આવશે. જેના રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે બનાવ સમયે PI પાસે હથિયાર હતું કે કેમ? જયંતિ સરધારાની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને માથામાં ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યા બાદ મેડિકલ ઓફિસર પાસેથી ઈજાને લગતો રિપોર્ટ મેળવવામાં આવશે.
આ પણ વાંચો: