રાજકોટ : શહેરના હાર્દ સમા રેસકોર્સ રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એસટી બસ ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને અડફેટે લીધો હતો. યુવક ઉછળીને રસ્તા પર ફેંકાયો હતો. આ ઘટનાના CCTV કેમેરાના ફૂટેજ પણ સામે આવ્યા છે. યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને હાલ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રીંગરોડ પર ગંભીર અકસ્માત : બનાવની મળતી વિગત મુજબ રાજકોટ શહેરના રેસકોર્સ રીંગ રોડ પર સવારના સમયે જિલ્લા પંચાયત ચોકથી કિશાન પરા ચોક જવાના રસ્તા પર નૈમીશ દિલીપભાઈ હીરાણી નામનો 25 વર્ષીય યુવાન ડિવાઇડર કૂદી રોડ ક્રોસ કરવા જતો હતો. જોકે, સામેથી આવતી એસટી બસની અડફેટે યુવક આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુવક ફંગોળાઈને રસ્તા પર દૂર પડ્યો હતો.
બસની અડફેટે ચડ્યો યુવક : યુવકને ગંભીર ઈજા પહોંચતા 108 મારફત તાત્કાલિક ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સારવાર હેઠળ યુવક : યુવાન રેલનગરમાં કર્ણાવતી સ્કૂલ પાસે રહે છે. તે રેસકોર્સ રીંગ રોડ ઉપર આવેલા આઈસ્ક્રીમ પાર્લર પાસે કામ પર જવા નીકળ્યો હતો અને રેસકોર્સ નજીક રસ્તો ઓળંગી રહ્યો હતો. ત્યારે પૂરઝડપે આવી રહેલી જામનગર-સુરત રૂટની એસ. ટી. બસના ચાલકે યુવાનને ઠોકરે લઈ ઉલાળ્યો હતો. જેથી યુવાન રસ્તા પર પટકાતા તેમને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.