રાજકોટઃ આવતીકાલે સૌપ્રથમ વડાપ્રધઆન મોદી રાજકોટ એઈમ્સ ખાતે હેલિકોપ્ટર મારફતે પહોંચશે. તેઓ દ્વારકાથી રાજકોટ ખાતે આવશે અને એઈમ્સ IPD વિભાગનું લોકાર્પણ કરશે. એઈમ્સ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા રાજકોટના જૂના એરપોર્ટ જશે. અહીંથી તેઓ સભા સ્થળ સુધી એટલે કે અંદાજિત 800 મીટર્સનો રોડ શો યોજશે. આ રોડ શોને લઈને મનપા દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. રોડ શોના રૂટ પર વિવિધ સ્થળોએ 21 જેટલા સ્ટેજ ઊભા કરવામાં આવ્યા છે.
ભાજપમાં પ્રદેશ કક્ષાના નેતાઓના ધામાઃ પીએમ મોદીના રાજકોટ પ્રવાસને લઈને ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉ. ભરત બોઘરાએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલે વડાપ્રધાન મોદી રાજકોટમાં 48 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. ભવ્ય રામ મંદિરના નિર્માણ બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીની સભામાં એક લાખથી વધુ લોકો બેસી શકે તે પ્રકારે 5 જર્મન ટેકનોલોજીના ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે અહીંયા પીવાના પાણી સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પીએમ મોદીની સભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચશે.
પીએમ પ્રથમ વખત ખુલ્લી જીપમાં લોકોને મળશેઃ ભરત બોઘરાએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે પીએમ મોદી સભા સ્થળે પાછળની તરફથી એન્ટ્રી કરશે અને ખુલ્લી જીભમાં તેઓ સભામાં આવશે અને સભામાં આવતા સમયે લોકો ખૂબ નજીકથી મળશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની સુરક્ષા માટે અંદાજિત 3,000 કરતાં વધુ પોલીસ કર્મીઓનો સ્ટાફ ખડેપગે રહેશે. આવતીકાલે પીએમ મોદી દ્વારકાથી સીધા રાજકોટ આવી એઈમ્સનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી રોડ શો કરશે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આવા સમયે પીએમ મોદીનો રાજકોટનો રોડ શો ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
આવતીકાલે પીએમ મોદી દ્વારકાથી સીધા રાજકોટ આવી એઈમ્સનું લોકાર્પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી રોડ શો કરશે. આ વખતે પીએમ મોદી સભા સ્થળે પાછળની તરફથી એન્ટ્રી કરશે અને ખુલ્લી જીપમાં તેઓ સભામાં આવશે અને સભામાં આવતા સમયે લોકો ખૂબ નજીકથી મળશે...ડૉ. ભરત બોઘરા(પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપ)