રાજકોટ : રાજકોટ અને સૌરાષ્ટ્રની જો સૌથી મોટી સમસ્યા હોય તો તે પાણીની સમસ્યા છે. એવામાં હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ સામે આવી રહી છે. જેમાં રાજકોટના અંબિકા ટાઉનશિપમાં રહેતા સ્થાનિકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો દ્વારા કોર્પોરેશનને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેમની પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવતા આજે સ્થાનિકોએ વિસ્તારમાં આવેલા રસ્તાને ચક્કાજામ કર્યો હતો અને તેઓ કોર્પોરેશનને રજૂઆત માટે દોડી આવ્યા હતા.
છેલ્લા ત્રણ વર્ષથી યોગ્ય પ્રમાણમાં નથી આવતું પાણી : સમગ્ર મામલે સ્થાનિક હેતલબેન રામાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે અંબિકા ટાઉનશિપમાં રહીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે. જ્યાં પૂરતા પ્રમાણમાં રીતે પાણી આવતું નથી અને બીજી બાજુ અમારા આસપાસના વિસ્તારમાં પાણી યોગ્ય રીતે આવે છે. જ્યારે પાણીની સમસ્યા માટે અમે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા છીએ, છતાં પણ અમારી પાણીની સમસ્યાનો નિરાકરણ હજુ સુધી આવ્યું નથી. અમારી માત્ર એટલી જ માંગ છે કે અમને પાણી આપવામાં આવે, તેમજ જો પાણી નહીં આપવામાં આવે તો હવે આગામી દિવસોમાં અમે પાણી વેરો પણ ભરશું નહીં.
લોકસભાની ચૂંટણીના બહિષ્કારની ચીમકી : પાણી માટે વિરોધ કરી રહેલા સુરેશભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી અમારા વિસ્તાjcex પાણીની સમસ્યા છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન સાથે મીટર પણ નાખવામાં આવ્યાં છે પરંતુ પાણી વ્યવસ્થિત રીતે આવતું નથી. દરરોજ માત્ર દસ જ મિનિટ પાણી આવે છે. અમારે પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરવી પડે છે. જેને લઇને અમે વિરોધ કરી રહ્યા છીએ. જ્યારે વિરોધ કરનાર સ્થાનિકોએ પણ આગામી દિવસોમાં આવનાર લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિકોની પાણીની સમસ્યા મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મને મીડિયાના માધ્યમથી આ ઘટનાની જાણ થઈ છે પરંતુ સ્થાનિકોની જે પણ સમસ્યા છે તેના નિરાકરણ માટે મે અધિકારીઓને સૂચના આપી છે.