રાજકોટઃ મુસ્લિમ ધર્મમાં મોહરમ માટે બનાવવામાં આવેલ તાજીયાનું વિશેષ મહત્વ હોય છે. આ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો છે. આ નવા વર્ષના દસમા દિવસે મુસ્લિમોએ બનાવેલ આ તાજીયાનું જુલુસ કાઢવામાં આવે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ મોહરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીઓના યુવાનો, બાળકો, આગેવાનો સહિતના સૌ કોઈ મોહરમમાં બનાવવામાં આવતા તાજીયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
વિશાળ જુલુસઃ આ તાજીયા બનાવવા માટે તેઓ ખુદ હસ્તકલાથી તાજીયાને વિવિધ સ્વરૂપ આપે છે. તાજીયા બની ગયા બાદ તેઓની જગ્યા ઉપર સ્થાન આપવામાં આવે છે. રાત્રી દરમિયાન હિન્દુઓ અને મુસ્લિમો જેઓની માનતા આસ્થા અને શ્રદ્ધા હોય છે તેઓ આ તાજીયા ખાતે તેઓની માનતા પૂર્ણ કરવા અને તેઓની શ્રદ્ધા અનુસાર આવતા હોય છે. બીજા દિવસે આ તમામ તાજીયાનું વિશાળ જુલુસ કાઢવામાં આવે છે.
સદાચાર માટે કુરબાનીઃ મોહરમના તહેવારોની ઉજવણી કોઈ એક ધર્મ સંપ્રદાય માટે નથી. કરબલામાં ઈમામ હુસેને માનવ ધર્મને બચાવવા સદાચાર માટે કુરબાની આપી હતી. મોહરમની કુરબાનીનો સંદેશ જન જન સુધી પહોંચે તે માટે મોહરમ મનાવવામાં આવે છે. જેમાં તાજીયા અને દફનવિધિમાં તમામ ધર્મના લોકો જોડાઈ મોહરમની શહીદીથી વાકેફ થાય તે માટે પ્રસાદ પરંપરામાં તમામ પ્રસાદ શાકાહારી, માનતામાં શ્રીફળ, દૂધ, શરબત, ચોખ્ખું પાણી અને ચુરમાના લાડુ ધરવાની પરંપરા છે. આમ મોહરમ સર્વ ધર્મ સમભાવ અને માનવ ધર્મ એકતાનો સંદેશો ઉજાગર કરવા મનાવવામાં આવે છે. ઈમામ હુસેનના આદર્શ અને સંસ્કાર દરેક માનવી અપનાવે સમાજમાં સુલેહ શાંતિ ભાઈચારો અને સંસ્કારી વાતાવરણનું સર્જન થાય આંતકવાદ સામે સત્ય કાજે નિર્ભય બનવાના સંસ્કાર સમાજમાં ફેલાય તે માટે મોહરમ મનાવવામાં આવે છે.
શોક મનાવવાની પરંપરાઃ મોહરમના દિવસે ઈસ્લામ ધર્મના શિયા સમુદાયના લોકો તાજિયા કાઢીને શોક મનાવે છે. વાસ્તવમાં, જે જગ્યાએ ઈમામ હુસૈનની કબર બનાવવામાં આવી છે. તે જ કદના તાજીયા બનાવીને પ્રતીકાત્મક રીતે જુલુસ કાઢવામાં આવે છે. આ જુલુસમાં મુસ્લિમ લોકો આખા રસ્તે માતમ કરે છે અને સાથે મળીને એમ પણ કહે છે કે યા હુસૈન, અમે ન થયા. લોકો એમ કહીને શોક વ્યક્ત કરે છે કે હુસૈન, અમે કરબલાના યુદ્ધમાં તમારી સાથે નહોતા, નહીં તો અમે પણ ઈસ્લામની રક્ષા માટે અમારા જીવનની આહુતિ આપી દીધી હોત.
કરબલાનું યુદ્ધઃ ઈરાકના કરબલામાં ઈ.સ. 624માં અધર્મ વિરુદ્ધ ધર્મનું યુદ્ધ થયું હતું. અત્યાચારી શાસક યજીદના લશ્કરે ઈસ્લામના પેગંબર હજરત મહંમદ સાહેબના નવાસા ઈમામ હુસૈન અને તેમના 72 સાથીદારોને શહીદ કરી નાખ્યા હતા. કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા મોહરમના નવમા દિવસે હિન્દુસ્તાન માંથી વિભાજિત થયેલ પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન સહિતના દેશોમાં શહીદોને અંજલિ આપવા માટે મોહરમની નવમી તારીખે ઈમામ હુસેનના મજારની પ્રતિકૃતિ સમાન તાજીયા બનાવવામાં આવે છે. નવમી તારીખે કરબલામાં યુદ્ધની તૈયારી શરૂ થઈ હતી એટલે નવમી તારીખ તાજીયા પડમાં લાવવામાં આવે છે. 10મી તારીખે સવારથી બપોર સુધીના ધર્મયુદ્ધમાં 72 યોદ્ધાઓએ શહીદી વોહરી લીધી હતી. ત્યારબાદ 10મી તારીખે તાજીયાને દફનવિધિ માટે લઈ જવાનું જુલુસ યોજાય છે. આમ તાજીયા પડમાં બેસવાથી લઈને દફનવિધિ સુધી કરબલાના યુદ્ધને દર વર્ષે યાદ કરવામાં આવે છે.
પાણી છાંટવાનું વિશેષ મહત્વઃ હિન્દુસ્તાનમાં માનવ ધર્મની સવિશેષ સેવા કરવાની સંસ્કૃતિ છે. મોહરમ માનવ ધર્મ કાજે ઈમામ હુસૈનને આપેલી શહીદીને યાદ કરવાનો અવસર હોવાથી તાજીયા પડમાં આવે ત્યારે હિન્દુ મુસ્લિમ યુવાનો ઉઘાડા પગે ચોંકારો લે છે. ગામની બહેનો તાજીયાના પટમાં પાણી છાંટીને માનવસેવાના સંસ્કારો ઉજાગર કરે છે. કરબલાના શહીદો ભૂખ તરસ વેઠીને શહીદ થયા હતા તેમને યાદ કરી પાણી પીવડાવવું અને પાણી છાંટવાની એક વિશેષ પરંપરા છે.
સમગ્ર વિશ્વમાં નીકળે છે તાજીયાઃ ઈરાકના કરબલામાં ઈસ્લામના અંતિમ નબી હજરત પયંગર સાહેબના દોહિત્ર ઈમામ હુસૈન અને તેમના 72 સાથીદારોની શહાદત થઈ હતી. દર વર્ષે શહીદોની યાદમાં શોક પાળવાની પરંપરા છે. મહોરમમાં ભાવિકો કરબલા ખાતે ઇમામ હુસૈનના મજારના દર્શને જઈ ન શકે તેથી મજાર રોઝાની પ્રતિકૃતિના રૂપમાં તાજીયા બનાવવામાં આવે છે. તાજીયા બનાવવાની પ્રથા હિન્દુસ્તાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને અરબ દેશમાં પ્રચલિત છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અમે 30 વર્ષથી તાજીયા બનાવીએ છીએ. આ વર્ષે પણ મોહરમ નિમિત્તે છેલ્લા ઘણા મહિનાઓથી વિવિધ કમિટીઓના યુવાનો, બાળકો, આગેવાનો સહિતના સૌ કોઈ મોહરમમાં બનાવવામાં આવતા તાજીયા માટેની તૈયારીઓ કરી રહ્યા છે...અબ્દુલ કાદિર નાગાણી (તાજીયા બનાવનાર, ઉપલેટા)
ઉપલેટામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તાજીયા બનાવવામાં આવી રહ્યા છે. શહીદોને અંજલિ આપવા માટે મોહરમની નવમી તારીખે ઈમામ હુસેનના મજારની પ્રતિકૃતિ સમાન તાજીયા બનાવવામાં આવે છે. નવમી તારીખે કરબલામાં યુદ્ધની તૈયારી શરૂ થઈ હતી એટલે નવમી તારીખ તાજીયા પડમાં લાવવામાં આવે છે...સૈયદ ઈમરાન કાદરી(તાજીયા બનાવનાર, ઉપલેટા)