રાજકોટ : આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવનાર છે. એવામાં તમામ પક્ષો અત્યારથી જ પોતપોતાના પક્ષોના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ છે. જ્યારે પીએમ મોદી 24 તારીખના રોજ ગુજરાતના દ્વારકા ખાતે આવશે અને અહીંયા સિગ્નેચર બીજનું લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે.સાથે રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ કરે તેવી શક્યતા છે.
25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવે તેવી શક્યતાઓ : પીએમ મોદી ત્યારબાદ તેઓ દ્વારકા ખાતે જન સભાને સંબોધન કરશે અને અહી જ યાત્રી રોકાણ કરશે. દ્વારકામાં રાત્રે રોકાણ બાદ પીએમ મોદી બીજા દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે આવે તેવી શક્યતાઓ છે. પીએમ મોદીના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
જનાના હોસ્પિટલ અને અટલ સરોવરનું થશે લોકાર્પણ : 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટના પ્રવાસે આવનાર છે. ત્યારે આ મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ ઈટીવી ભારતમાં સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 25 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદીનો રાજકોટનો કાર્યક્રમ ફાઈનલ થયો છે. જ્યારે તેઓ રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ કરશે. આ સાથે જ અમે રાજકોટના અલગ અલગ પ્રોજેક્ટ પણ રજૂ કરશું જે પૂર્ણ થઈ ગયા હશે તો વડાપ્રધાન મોદી આ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરે તેવી શક્યતાઓ છે પરંતુ હાલ માત્ર એઈમ્સની વાત સામે આવી રહી છે. વડાપ્રધાન રાજકોટ ખાતે આવતા હોય ત્યારે વિવિધ વિભાગો પણ પૂરજોશમાં કામે લાગી ગયા છે.
250 બેડ ઇન્ડોર યુનિટનું કામ કરશે : ગુજરાતમાં એકમાત્ર રાજકોટમાં એઈમ્સનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે 200 એક્ર કરતા વધુ જમીન પર અંદાજિત રૂ.1200 કરોડના ખર્ચે આ એઈમ્સનું કામ કરાવી રહ્યું છે ત્યારે પ્રથમ ચરણનું કામ પૂર્ણ થયું છે. બીજા ચરણમાં એઈમ્સ ખાતે 250 બેડના ઇન્ડોર યુનિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. આ સાથે જ શહેરની ભાગોળે નવા 150 ફૂટ રોડ ઉપર નિર્માણ પામેલ અટલ સરોવર અને રેસકોર્ષ 2 તેમજ શહેરમાં 11 માળની નવી જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તે પ્રકારની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જનાના હોસ્પિટલનું કામ પણ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. ત્યારે અટલ સરોવર ખાતે નાના મોટા જે કામો બાકી છે તેની પણ મનપા કમિશનર દ્વારા સમીક્ષાઓ યોજવામાં આવી રહી છે એટલે કે આગામી 25 તારીખના રોજ રાજકોટને ત્રણ નવા પ્રોજેક્ટ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.