રાજકોટ : રાજકોટના થોરાળા વિસ્તારમાં મનપાની વિજિલન્સ શાખા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે ગઈ હતી. ત્યારે સ્થાનિક પોલીસને પણ કામગીરી દરમિયાન સાથે રાખી હતી. જ્યારે ગેરકાયદેસર દબાણો દૂર કરવા મામલે સ્થાનિકો રોષે ભરાયાં હતાં અને વિજિલન્સ તેમજ સ્થાનિક પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે ઘટનાની જાણ થતા થોરાળા PI ભાર્ગવ ઝણકાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ મામલો સંભાળવાની કોશિશ કરી હતી પરંતુ સ્થાનિકો દ્વારા PIને પણ ઘેરાવામાં આવ્યા હતાં.
યુવાને PI સામે જ આપઘાતનો પ્રયાસ કર્યો : સમગ્ર ઘટનાને પગલે રાજકોટ પોલીસની અન્ય ટીમો પણ થોરાળા પોલીસ મથક વિસ્તારમાં પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. જ્યારે PI ભાર્ગવ સામે જ એક યુવાને દલીલ કરતા કરતા આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને પણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ મામલે થોરાળા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક વિગતો મુજબ વિસ્તારમાં રસ્તા પર ગેરકાયેસર દબાણ હતું જેને મનપા દ્વારા દુર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે કામગીરીની પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતાં.
મહિલા પોલીસકર્મીને બચકાં ભરવામાં આવ્યાં : થોરાળા પોલીસની ટીમ પર હુમલો થવાની ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં પોલીસના ધાડેધાળા ઉતરી પડ્યા હતાં તેમજ પીઆઈ ભાર્ગવ ઝણકાતને ઘેરનાર સ્થાનિકોની ધરપકડ કરવાની કાર્યવાહી કરાઇ હતી. જ્યારે વિસ્તારમાં એક મહિલા પોલીસ કર્મીને સ્થાનિક મહિલા દ્વારા બચકાં ભરવા આવ્યા હોવાથી આ મહિલા પોલીસકર્મીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાઈ વોલ્ટેજ ડ્રામા : થોરાળા પોલીસ મથક વિસ્તારમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ભારે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જેને પગલે શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે. આ મામલે ETV BHARAT દ્વારા થોરાળા પીઆઈ ભાર્ગવ ઝણકાતનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેઓએ ફોન રિસિવ કર્યો નહોતો.