રાજકોટઃ રાજકોટ રાજપથ લિમિટેડનાં નેજા હેઠળની તમામ બસોના ડ્રાઈવર તેમજ કંડક્ટર સહિત અંદાજિત 110થી 120 કર્મચારીઓ વીજળીક હડતાળ પર ઉતાર્યા છે. તેમને સમયસર પગારની માંગણી કરી છે. બીજી તરફ શહેરનું પરિવહન અચાનક જ થંભી જતા શહેરમાં નોકરી કે કામ-ધંધાર્થે અવર-જવર કરી રહેલા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખાનગી વાહનો ચાલકોએ મન ફાવે તેમ ભાડા વસૂલ્યા.
સવારથી જ હડતાળઃ રાજકોટના ભાવનગર રોડ ખાતે આવેલી રાજકોટ રાજપથ લિમિટેડની વડી કચેરીએથી સવારે બસો બહાર નીકળી જ નહીં. આ પરિસ્થિતિમાં પત્રકારો જ્યારે રિપોર્ટિંગ કરવા સ્થળે પહોંચ્યા તો પત્રકારોને અંદર જતા રોકવામાં આવ્યા હતા. ક્યા કારણોસર આ પરિસ્થિતિ સર્જાઈ હતી તે જાણતા જવાબ મળ્યો કે મહા નગર પાલિકા સંચાલિત સિટી બસ સેવાઓ - રેપિડ માસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (RMTS) અને બસ રિપીટ ટ્રાંસિટ સિસ્ટમ (BRTS) માટે લેવામાં આવેલા કર્મચારીઓ થર્ડ પાર્ટી કોન્ટ્રાકટ પર હોવાથી તેમનો પગાર નિયમિત રીતે ન ચુકવાતા આ પરિસ્થિતિ સર્જાઈ છે.
સમયસર પગારની માંગણીઃ આ કર્મચારીઓને સેવાઓ આપવા માટે આઉટસોર્સ કરાયેલી સંસ્થા નારાયણ સિટી બસ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા આ કર્મચારીઓનાં નાણાં ચૂકવામાં ઢીલાશ વર્તતા અને સમયસર નાણાં ન ચૂકવી આપતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે હાજર મીડિયા સાથે હડતાળ પર રહેલા કર્મચારીએ વિગતો આપી હતી કે, સમયસર પગાર ન મળતા તેમનું નાણાકીય આયોજન બગડી જાય છે અને અનેકો-અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
મનપાના કમિશ્નરની બાંહેધરીઃ મહા નગર પાલિકા તેમજ થર્ડ પાર્ટી કોન્ટ્રાકટ સેવા પૂરી પાડતી એજન્સીનાં અધિકારીઓ સાથે વાતચીત કરીને પગાર નિયમિત રીતે કરવામાં આવે તે દિશામાં પગલાઓ ભરવામાં આવ્યા હોવાની બાહેંધરી મહા નગર પાલિકાનાં કમિશ્નરે આપીને આ સેવાઓ પુનર્સ્થાપિત થઈ જશે તેવી ખાતરી આપી હતી. કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું કે, પગારની નિયમિતતામાં ક્યારેક કોઈ સમસ્યા સર્જાઈ નથી પણ નાણાકીય વર્ષ દરમ્યાન માર્ચ એન્ડને કારણે કોઈ નાણાકીય લેવડ-દેવડમાં કોઈ વિલંબ થયો હોય તો આ પરિસ્થિતિ સર્જાઈ હોવાની શક્યાતા છે, જેને પહોંચી વાળવા પણ મહા નગર પાલિકા સુનિશ્ચિત પ્રયાસો કરશે.