રાજકોટ: રોજિંદા હાઇવે પર નાના મોટા વાહનો પસાર થતા રહે છે, પરંતુ દિવાળીના તહેવારમાં મળતી રજાની મજા માણવા લોકો પ્રવાસન અને ધાર્મિક સ્થળ પર જતાં હોય છે પરિણામે હાઇવે પર રોજિંદા કરતા પણ અનેક ગણા વાહનોની અવર-જવર જોવા મળે છે. આ દરમિયાન રાજકોટના જેતપુર નેશનલ હાઇવે પર સિક્સ લેનની કામગીરી થઈ રહી છે. પરિણામે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે.
રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે નંબર-27 પર વિરપુર નજીક ગોમટા ચોકડીથી લઈને ગોંડલના ચોરડી ગામ સુધી તહેવાર દરમિયાન રસ્તાના ચાલી રહેલા કામને કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં નાના-મોટા અનેક વાહનોની લાંબી લાઇનો લાગી હતી. પરિણામે ટ્રાફિકની સમસ્યા સૌ કોઈ વાહન ચાલકો માટે નેશનલ હાઈવે પર માથાના દુઃખાવા રૂપ બની હતી અને અહીં કલાકો સુધી ટ્રાફિક થયો હતો.
રવિવારે ભાઈબીજ તહેવારના દિવસે વિરપુર પાસેના ગોમટા ચોકડીથી ચોરડી સુધી નાના-મોટા વાહનોનો ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાં એક તરફ સિક્સ લાઈનની કામગીરીના કારણે હાઇવે કોન્ટ્રાક્ટર દ્વારા એક વાહન ચાલી શકે તેવી ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે બીજી બાજુ રાજકોટ જિલ્લા અને તાલુકા પોલીસ અને જિલ્લાની અન્ય બ્રાન્ચોને પણ ટ્રાફિક ક્લિયર કરવા હાઇવે પર આવવું પડતું હોય છે.
હાલ પણ તહેવારને કારણે ટ્રાફિક સર્જાય છે ત્યારે અહીં રાજકોટથી જેતપુર નેશનલ હાઇવે પર ભુણાવા, બિલિયાળા, ભોજપરા, ચોરડી, ગોમટા, ચરખડી, વીરપુર અને કાગવડ નજીક હાઇવે પર સિંગલ લાઈનમાં વાહન પસાર થઈ રહ્યા છે. પરિણામે અહીં પણ ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાય છે. આવી જ સમસ્યા વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. જેના કારણે વાહનોની ગતિ પણ ધીમી પડી ગઈ હતી, તો ઘણા મુસાફરો સમયસર મુસાફરી નહીં થવાના કારણે પરેશાન પણ થયા હતા.
આ પણ વાંચો: