રાજકોટ: જિલ્લાના આજીડેમ પાસે યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ અને SOG સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરતાં મૃતકની માહિતી મળી હતી. આ હત્યાના ગુનામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે સગા ભાઈ અને એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે.
ઓળખ ન થાય માટે લાશને સળગાવી: બનાવની મળતી વિગત મુજબ જાણવા મળે છે કે, રાજકોટના આજીડેમ પાસે સાંઈબાબા સર્કલથી સ્વાતિ પાર્ક જવાના રસ્તા પર સળગેલી લાશ પડી હોવાની જાણ થયા બાદ આજીડેમ પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. જ્યાં અજાણ્યા પુરુષની અડધી સળગેલી લાશ જોવા મળી હતી. આ લાશની સ્થિતિ જોતા બીજી કોઈ જગ્યાએ હત્યા કરી લાશ કોઈ વાહનમાં લઈ આવી બનાવ સ્થળે ફેંકી દેવાયાનું તારણ સામે આવ્યું હતું. ઉપરાંત મૃતકની ઓળખ ન મળે તે માટે હત્યારાઓએ લાશ સળગાવી નાંખી હતી. લાશની ઓળખ મેળવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસ તપાસ દરમિયાન આ લાશ સંત કબીર રોડ પર ભગીરથ સોસાયટી-3માં રહેતા વિપુલ વશરામભાઈ ક્યાડા (ઉ.વ.35 )ની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણ થઈ કે, મૃતક અને આરોપીઓ વચ્ચે પૈસાની લેતી-દેતી મામલે માથાકૂટ થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા શખ્સોએ વિપુલભાઈને મોતને ઘાટ ઉતાર્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. પોલીસે હાલ શકમંદોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
પૈસાની લેવડ-દેવડમાં કરી હત્યા: હત્યાના આરોપીએ પોલીસ પૂછપરછ દરમિયાન કબૂલાત આપી હતી કે, આરોપી શામળ ઉર્ફે વિરમે આજથી આશરે 2 વર્ષ પહેલાં થોડા થોડા કરીને મૃતક વિપુલ ક્યાડા પાસેથી 8 લાખ લીધા હતા. જે રૂપિયા મૃતક પરત માંગતા હોવાથી આરોપી શામળ ઉર્ફે વિરમ પાસે રૂપિયાની સગવડ ન હતી. પરંતુ વિપુલ અવારનવાર રૂપિયાની માંગણી કરતો અને ઘરે પણ રૂપિયા લેવા આવતો હતો. જે દિવસે બનાવ બન્યો હતો તે દિવસે મૃતક વિપુલે આરોપી શામળ ઉર્ફે વિરમને ફોન કરી સાંજે થોડા ઘણા રૂપિયાની સગવડ કરી રાખજે હું રૂપિયા લેવા તારા ઘરે આવીશ તેમ કહ્યું હતું. જેથી આરોપી શામળ ઉર્ફે વિરમ પોતાના ભાઇ મેહુલ ઉર્ફે હકો તથા એક સગીરને વાત કરી અને મૃતક સાંજે રૂપિયા લેવા આવે ત્યારે તેને મારી નાખવાનું નક્કી કર્યું હતું. ત્રણેય જણાએ મૃતકની લાશની ઓળખ ન થાય તેમજ કોઇના ફિંગર પ્રિન્ટ ન આવે તે માટે લાશને પેટ્રોલથી લાશને સળગાવી નાંખી હતી. તમને જણાવી દઈએ કે મૃતક વિપુલ ક્યાડા લેથ મશીનનું કામ કરતો હતો અને તેને એક પુત્ર પણ છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.