રાજકોટ: જિલ્લામાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાપાલિકા દ્વારા BU સર્ટી અને ફાયર NOC મુદ્દે થોડી વધુ જાગૃત બની છે. જેમાં મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે બે મહિના બંધ રાખવામાં આવનાર છે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને સમય લાગવાનો હોવાથી બે મહિના માટે મનપાનો કોમ્યુનીટી હોલ બંધ રહે તેવી શક્યતા છે. મનપા સંચાલિત 19 પૈકી હાલ ચાલુ 17 કોમ્યુનિટી હોલમાં આ કામગીરી કરવામાં આવશે.
લગ્ન હોલ ચલાવી શકાય નહીં: આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા મુજબ, ફાયર સેફ્ટીના સાધનો વગર મહાનગરપાલિકાના લગ્ન હોલ ચલાવી શકાય નહીં. આથી કોમ્યુનીટી હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે તેની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે ટેન્ડર પ્રસિદ્ધ થઈ ગયા છે. અને હજુ એક ટેન્ડર આજે પ્રસિદ્ધ થયું છે, પરંતુ ટેન્ડર ભરાઇને પરત આવ્યા બાદ પાર્ટીને કામ આપવા સહિત પ્રક્રિયામાં સમય લાગવાનો છે.
1 ઓક્ટોબરથી ફરી કમ્યુનીટી હોલ શરુ કરાશે: આ પ્રક્રિયા બાદ વર્કઓર્ડર આપી ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી કરવામાં આવે અને બાકી રહી ગયેલા તમામ લગ્ન હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર એનઓસી ફાળવવામાં આવે છે. જેમાં અંદાજે બે માસ જેટલો સમય લાગવાની શક્યતા છે. જેથી 1 ઓગષ્ટથી 30 સપ્ટેમ્બર સુધી આ હોલ બંધ રહેવાની શક્યતા છે. 1 ઓક્ટોબરથી ફરી કમ્યુનીટી હોલ શરુ કરાશે.
બે મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા: આ મુદ્દે મનપા દ્વારા વધુમાં માહિતી આપતા જાણવા મળ્યું છે કે, આ કામગીરી માટે અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. અને છેલ્લા ઘણા સમયથી નવા બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે, આગામી બે મહિના દરમિયાન 10 જેટલા બુકિંગ હતા. પરંતુ ફાયર સેફટીના કામ માટે આ બુકિંગ રદ્દ કરી દેવાની ફરજ પડી છે.