રાજકોટ : સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવતા ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ સારી ડુંગળીના ખેડૂતોને ભાવ મળી રહ્યા હતા. એવામાં આજે ફરી ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ યાર્ડમાં 20 કિલો ડુંગળી હાલમાં 200 રૂપિયાની આસપાસ વેચાઈ રહી છે. ત્યારે આગામી સિઝનના પાકને લઈને ખેડૂતો ગમે તે ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે. ત્યારે ખેડૂતોની માગ છે કે સરકાર ટેકાના ભાવે જો ડુંગળી ખરીદે તો તેમને થોડી ઘણી રાહત મળી રહે અને તેમનું ગુજરાન ચાલી જાય.
રાજકોટ યાર્ડમાં ફરી ડુંગળીના ભાવ : રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ડુંગળીની હરાજી માટે આવેલા ખેડૂત રાકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં યાર્ડમાં ડુંગળીની બજાર જોવા મળતી નથી. અહી મને 20 કિલો મણના ભાવ રૂ.225 ભાવ ડુંગળીના મળ્યા છે. જ્યારે અમારે ખેતરથી અહીંયા યાર્ડ ખાતે ડુંગળી પહોંચાડવાનો ખર્ચો જ 300 રૂપિયા થઈ જાય છે. એવામાં માત્ર 225 રૂપિયા ડુંગળીના ભાવ મળ્યા છે. ત્યારે સામે રૂ. 70 થી 80 ખેડૂતોના ખિસ્સામાંથી જઈ રહ્યા છે. સરકારે પણ અત્યાર સુધી ડુંગળી મુદ્દે કંઈ વિચાર્યું નહીં, જો આ અગાઉ સરકાર દ્વારા ડુંગળી અંગે કંઈ વિચારવામાં આવ્યું હોત તો ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોત.
ડુંગળીના ટેકાના ભાવ જાહેર કરે : રાકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હવે ડુંગળીના ભાવ આ જ પ્રમાણે જોવા મળશે તો આગામી દિવસોમાં કોઈ ખેડૂતો ડુંગળી વાવશે નહીં. તેમજ સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે આ વર્ષે ડુંગળીના ભાવ તૂટ્યા હતા અને હાલમાં ખેડૂતોને ખિસ્સામાંથી પૈસા આપવાનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી ડુંગળીના પોષણક્ષમ ભાવો પણ નથી મળી રહ્યા. આ અગાઉ જ્યારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ નહોતો ત્યારે ડૂંગળીના સારા એવા ભાવ ખેડૂતોને મળતા હતા પરંતુ જેવો જ ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તેના કારણે બજારમાં ડુંગળીના ભાવ બેસી ગયા હતા અને હાલ ખેડૂતો નાછૂટકે જે પણ ભાવ મળે તે ભાવે ડુંગળી વેચવા મજબૂર બન્યા છે ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકાર દ્વારા ડુંગળીના પોષણક્ષમ ભાવો આપવામાં આવે જેના કારણે ખેડૂતોને ખિસ્સામાંથી પૈસા આપવાનો વારો ના આવે.