રાજકોટ : ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે પણ ત્રીજા ચરણની લોકસભા 2024ની ચૂંટણીઓ પૂર્ણ થતા ગુજરાતમાં પણ ચૂંટણીનાં બીજે દિવસે એક પ્રકારે સાલસતા જોવા મળી હતી. સરકારી કચેરીઓમાં ક્યાંક એક ઠહેરાવ અનુભવાયો હતો, બુધવારે પાવર સ્ટેગરીંગને કારણે રાજકોટ શહેરનાં ઔધોગિક વસાહતો બંધ હોવાને કારણે શહેરની ઔધોગિક વસાહતોમાં એકંદરે કર્ફ્યુ જેવો માહોલ હતો. ચૂંટણીવાળા ધમાલિયા માહોલમાંથી શહેર શાંત પડેલું જોવા મળ્યું હતું. તેવામાં અચાનક જ રાજકીય પારો પાછો ગરમાયો કારણ કે ભારતીય જનતા પક્ષના 10 રાજકોટ લોકસભાનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને ફરી પાછી માફી માંગીને મિચ્છામિ દુક્કડમ કહ્યાં. તો બીજી તરફ પરેશ ધાનાણીએ રાજકોટ અને રાજકોટવાસીઓનો આભાર માન્યો તેવામાં રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની આ લડાઈને લઈને ક્ષત્રિયોએ શું કહ્યું, એ સમજવા અને જાણવા માટે જુઓ આ અહેવાલ.
ક્ષત્રિય સમાજની મિચ્છામિ દુક્કડમ કહીને માફી માંગી : રાજકોટમાં મંગળવારે મતદાન પૂર્ણ થતાની સાથે જ ભારતીય જનતા પક્ષનાં સૌરાષ્ટ્ર-કચ્છનાં પ્રવકતા રજુ ધ્રુવ તરફથી એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો જેમાં પરષોત્તમ રૂપાલા બુધવારે સંબોધશે તેવી વાત હતી અને પ્રેસ-મીડિયાનાં મિત્રોને આમંત્રણ હતું, રૂપાલાએ તેમના વક્તવ્યમાં 40 વર્ષની કારગિર્દીની આ સહુથી કષ્ટદાયક ચૂંટણી વર્ણવી અને સાથે-સાથે એ પણ અફસોસ વ્યક્ત કર્યો કે એમના વક્તવ્યો જે એમના પક્ષ માટે ઘરેણા સમાન હતા એ ક્યાંક ચર્ચાનો વિષય બની ગયા અને ક્ષત્રિય સમાજની મિચ્છામિ દુક્કડમ કહીને માફી માંગી. તેમની ક્રિયાને કારણે ઉભી થયેલી પ્રતિક્રિયાને લઈને પ્રધાનમંત્રી, પક્ષ અને પક્ષનાં મિત્રો માટે જે સમસ્યા સર્જાઈ તે માટે પણ પોતાને જવાબદાર ઠેરવીને માફી માંગી.
પ્રેસવાર્તા બોલાવીને માંગવામાં આવેલી માફી અસ્વીકાર્ય : ક્ષત્રિય આગેવાનોને બોલાવીને રસ્તા પર જ એક પ્રકારે પ્રેસવાર્તા કરાવીને ક્ષત્રિયોનો પક્ષ પણ રજુ કર્યો, જેમાં ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાએ પરષોત્તમ રૂપાલા દ્વારા પ્રેસવાર્તા બોલાવીને માંગવામાં આવેલી માફીને અસ્વીકાર્ય ગણાવીને કહ્યું કે આ સમાજનો મુદ્દો હોય, ક્ષત્રિય સંકલન સમિતિનાં સમાજનાં મંચ પરથી આ પ્રકારે કોઈ માફી માંગવામાં નથી આવી.
ક્ષત્રિયોનાં આંદોલનને લાગેલું અલ્પવિરામ : તો બીજી તરફ ભાર્ગવીબા ગોહિલે, ક્ષત્રિય મહિલા અગ્રણીએ એ પ્રેસવાર્તામાં ક્ષત્રિયોનાં આંદોલનનો આ સમયકાળ એક અલ્પવિરામ કાળ હોવાનું પણ સ્પષ્ટ કર્યું.
પરેશ ધાનાણીએ આભાર માન્યો : પરષોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ બોલાવી, તો પછી એમાં પરેશ ધાનાણી કેમ પાછળ રહી જાય? એટલે કોંગ્રેસ પક્ષ તરફથી વ્હોટ્સએપ થકી એક સંદેશો મોકલવામાં આવ્યો, જેમાં લખવામાં આવ્યું કે આજે સાંજે પ્રદેશ કાર્યાલયે પરેશ ધાનાણી રાજકોટની પ્રજાને આભાર સંદેશો પાઠવશે, એટલે પ્રેસનાં મિત્રો પહોંચી ગયા. કોંગ્રેસ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે અને એક મીની પત્રકાર પરિષદ ગોઠવી દેવાઈ જેમાં પરેશ ધાનાણીએ રાજકોટવાસીઓનો આભાર માન્યો. આમ રાજકોટ ખાતે લોકસભા 2024ની ચૂંટણીઓ પૂર્ણ થતા રાજકીય આગેવાનો, પત્રકારો, તંત્ર-પ્રશાસન એક પ્રકારે રાહતનો શ્વાસ લઈ રહી છે ત્યારે ક્ષત્રિયોનાં આંદોલનને લાગેલું અલ્પવિરામ, હવે સૌરાષ્ટ્ર-કચ્છ કેન્દ્રિત ગુજરાતની રાજનીતિમાં કેવી રીતે એક પ્રેરક ઉદ્વિપકની ભૂમિકા ભજવશે તે આવનારો સમય જ કહી શકશે.