રાજકોટ: રાજકોટ - અમદાવાદ હાઇવે પર હીરાસરમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની દીવાલ તૂટતાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. એરપોર્ટના રનવે પાસેની 15 ફુટ ઊભી અને 50 ફુટ જેટલી પહોળી બોર્ડર વોલ તૂટી હતી. ત્યારે હાલ દિવાલને બદલે જાળી મૂકવામાં આવી છે. હવે દિવાલ તૂટતાં આસપાસના ખેતરોમાં પાણી વહી જતાં પાક અને જમીનનું ધોવાણ થઈ જતા ગામનાં સરપંચ દ્વારા એરપોર્ટ ઑથોરિટી અને સ્થાનિક ધારાસભ્ય સમક્ષ વળતર આપવા માટેની રજૂઆત કરવામાં આવેલી છે.
પાણી ભરાવવાથી દિવાલ તૂટી ગઇ: મળતી વિગત મુજબ લોમા કોટડી સમરસ ગ્રામ પંચાયતના સરપંચ મૂળુભા ગઢવીએ એરપોર્ટ ઓથોરીટી અને ધારાસભ્ય શામજી ચૌહાણને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, લોમા કોટડી ગામમાં ભારે વરસાદ થવાથી ગામમાં ખેડુતોના પાકોને ભારે એવુ નુકસાન થયું છે તેમજ ગામમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટની અંદર પાણી ભરાવાથી તેની દિવાલ તૂટી ગઈ હતી. જેના કારણે આજુબાજુમાં આવેલ ખેડૂતોની જમીનનું ધોવાણ થયું છે તેમજ પાક નિષ્ફળ ગયો છે.
ખેડૂતોનો શાકભાજીનો પાક બળી ગયો: ખેડૂતોએ શાકભાજીનુ વાવેતર કર્યુ હતું. તે શાકભાજીનો પાક ભારે વરસાદ થવાથી સાવ બળી ગયો છે તેમજ પાક બગડી ગયો છે. આર્થિક રીતે ખેડૂતો પહોંચી વળી શકે તેમ ન હોવાથી તાત્કાલિક સર્વે કરાવવા તેમજ અમુક ખેડૂતોની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે તેઓને આર્થિક સહાય વળતર આપવા માંગણી કરી છે. જેની નકલ ચોટીલાનાં તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પણ મોકલવામાં આવી છે.
એરપોર્ટના નિર્માણમાં ભ્રષ્ટાચાર: હીરાસર ખાતે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું રૂ.2,654 કરોડનાં ખર્ચે 1 વર્ષ પહેલાં જ નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયું હતું. જોકે આ એરપોર્ટ નિર્માણ પામ્યાનાં 1 વર્ષમાં તેમાં ભ્રષ્ટાચાર થયાનાં દ્રશ્યો સામે આવી રહ્યાં છે. અગાઉ એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગ પાસેની કેનોપી તૂટી ગઈ હતી. તો હવે અહીં સુરક્ષા વોલ તૂટતાં આસપાસના ખેતરો ધોવાઈ જતા મોટું નુકસાન થયું છે. હાલ દીવાલ તૂટી તે ખુલ્લા ભાગમાં જાળીના છીંડા કરવામાં આવેલા છે અને CISF નો કડક બંદોબસ્ત રાખવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: