રાજકોટ: રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર હીરાસરમાં કરોડના ખર્ચે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. જોકે તેના એક વર્ષમાં જ આ એરપોર્ટના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના દ્રશ્યો સામે આવે છે. અગાઉ ટર્મિનલ બિલ્ડીંગ પાસે કેનોપી તૂટી પડી હતી. ત્યારે હવે દીવાલ ધરાશાયી થઈ જતા સત્વરે રિપેરીંગ થઈ શકે તેમ ન હોવાથી સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. જોકે હાલ ત્યાં CISF ના જવાનોને 24 કલાક બંદોબસ્ત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી આ દીવાલનું રિપેરીંગ કામ કરવામાં આવેલું નથી.
રન-વે પરની 15 ફૂટની દીવાલ ધરાશાયી: ખેતરમાં પાકનું ધોવાણ થઈ જતા નુકસાન થયું હોવાનુ સામે આવ્યું છે. દીવાલ પડ્યા બાબતે હજૂ પણ એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફ્લાઈટ જ્યાંથી ઉડાન ભરે છે. તે રન-વે ની બોર્ડર પરની 15 ફૂટની દીવાલ સોમવારે ધરાશાયી થઈ ગઈ હતી. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, 1 વર્ષ પહેલા જ નિર્માણ પામેલા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ કેટલું નબળું કરવામાં આવ્યું છે. ધોધમાર વરસાદ વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે પાસેની બોર્ડરની દીવાલનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
ટર્મિનલ બિલ્ડીંગ પાસેની કેનોપી તૂટી ગઇ: જોકે સદનસીબે કોઈને જાનહાનિ થઈ ન હતી. પરંતુ આ એરપોર્ટનું નિર્માણ કરતા કોન્ટ્રાક્ટરના કામ સામે અનેક સવાલો ઊભા થયા છે. ત્યારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા લીધા હોવાનું કે દીવાલનું રિપેરીંગ ક્યારે થશે. તે અંગે કંઈ જ જાહેર કરવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે, રાજકોટ-અમદાવાદ હાઇવે પર પાસે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ 1 વર્ષ પહેલાં જ રૂ. 2,654 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઇ, 2023ના રોજ થયુ હતું. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં અહીંથી ફ્લાઇટની ઉડાન શરૂ થઈ હતી. પરંતુ આ એરપોર્ટ નિર્માણ પામ્યાના એક વર્ષમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં લોટ, પાણી અને લાકડા કરવામાં આવ્યા હોવાના દ્રશ્યો એક પછી એક સામે આવી રહ્યા છે. અગાઉ આ એરપોર્ટ ઉપર ટર્મિનલ બિલ્ડીંગ પાસેની જ કેનોપી અચાનક તૂટી પડી હતી.
CISF જવાનો દ્વારા 24 કલાક ચોકી પહેરો: હવે આ એરપોર્ટ ઉપર ફ્લાઈટ જ્યાંથી ઉડાન ભરે છે. તેની બોર્ડર પાસેની દીવાલ અચાનક તૂટી પડી હતી. હાલ આ જગ્યા પર CISF ના જવાનો 24 કલાક ચોકી પહેરો કરી સુરક્ષાનું ધ્યાન રાખી રહ્યા છે. રાજકોટ અને રાજ્યસભાના સાંસદ રામ મોકરીયાએ જણાવ્યું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરની જે દીવાલ પડી ગઈ છે. તે બાબતે તેમણે જણાવ્યું હતું કે, આ દીવાલનું તાત્કાલિક રિપેરીંગ કામ શરૂ કરી દેવામાં આવે અને ત્યાં સુરક્ષા જળવાઈ રહે તે માટે CISF જવાનોનો કડક બંદોબસ્ત રાખવામાં આવે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના કામમાં ભ્રષ્ટાચાર જ થયો છે. એટલા માટે જ આ દીવાલ ગત સોમવારે ધરાશાયી થઈ ગઈ હતી. અચાનક દીવાલ તૂટી પડતા ત્યાં ખેતરમાં પણ નુકસાન પહોંચ્યું હતું. કારણ કે, આ દીવાલનો મોટો ભાગ પડતા ખેતરનું લેવલિંગ તૂટી ગયું હતું અને પાણી મોટી માત્રામાં ખેતરમાં ફરી વળતા ખેતરમાં વાવેલો જુવાર નાશ થઈ ગયો હતો.