રાજકોટ : ચોમાસા બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો છે. બીજી તરફ ચાલુ સપ્તાહે ડેન્ગ્યુના વધુ 29 કેસો સામે આવતા એક માસમાં કુલ 100 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. તો વિવિધ રોગોમાં અગાઉના સામે ચાલુ સપ્તાહે વધુ કેસ નોંધાયા છે, જેમાં શરદી-ઉધરસના સૌથી વધુ 1,239 દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે.
રોગચાળો વકર્યો : મળતી વિગત મુજબ, છેલ્લા એકાદ સપ્તાહથી શહેરમાં રોગચાળો વઘ્યો છે. જેથી દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોસ્પિટલમાં લાંબી કતારો જોવા મળી રહી છે. રાજકોટ મનપાના ચોપડે વિવિધ રોગોના કેસની વાત કરીએ તો આ સપ્તાહે કુલ 2,376 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસના ગત સપ્તાહના 942 કેસ સામે આ સપ્તાહે 1239 કેસ, ઝાડા-ઊલટીના 349 સામે 359 કેસ અને સામાન્ય તાવના પણ 645 સામે 739 કેસ નોંધાયા છે.
ડેન્ગ્યુના કેસમાં વધારો : મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂના 29 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ટાઈફોઇડ તાવના 5 તેમજ મલેરિયા 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. તો ટાઇફોઇડના 5 અને કમળાના 2 દર્દીઓ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગની કામગીરી : રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ, હાલ વરસાદી માહોલ હોવાને કારણે ભેજવાળું વાતાવરણ હોવાથી વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો નોંધાયો છે. આ સાથે રોગચાળાને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે. 56 મલેરિયા ફિલ્ડ વર્કર, 415 અર્બન આશા અને 115 VBD વોલન્ટીયર્સ દ્વારા ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી અને 5,059 ઘરમાં ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી છે.
RMC દ્વારા દંડનીય કાર્યવાહી : સામાન્ય રીતે મચ્છરની ઘનતા વધુ હોય એવા વિસ્તારમાં વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગીંગ કામગીરી કરવામાં આવે છે, જેમાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સંબંધિત બાંધકામ સાઈટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 439 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 345, તો કોર્મશિયલમાં કુલ 104 આસામીને નોટીસ ફટકારવામાં આવી હતી. સાથે જ રૂ. 36,700 જેટલો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.