રાજકોટ : ગોંડલ નજીક આવેલી સડક પીપળીયા ગામે ભાડેથી ઓફિસ અને ગોડાઉન રાખી પ્રમુખ ટ્રેડીંગ નામની પેઢીમાં સ્ટીલ અને સિમેન્ટનો વેપાર શરૂ કરી શાપર-વેરાવળના વેપારી સહિત જુદા જુદા 8 વેપારીઓ સાથે સંબંધ કેળવ્યા હતા. જે બાદ ઉધારીમાં લોખંડના સળિયા ખરીદી 8 વેપારીઓને 18.84 કરોડનું બૂચ મારી ગઠિયો ફ્લેટ, ઓફિસ અને ગોડાઉન ખાલી કરી ભૂગર્ભમાં ઉતરી જતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
અમરેલીનો ભેજાબાજ ઠગ : રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રિલાયન્સ મોલ પાછળ સિલ્વર સ્ટોન શેરી નં. 3 માં રહેતા અને શાપર-વેરાવળમાં શ્રીનાથજી સ્ટીલ નામની પેઢી ધરાવતા 47 વર્ષીય અમિતભાઈ રમેશભાઈ પટેલ નામના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડીયા ગામના વતની અને ગોંડલના સડક પીપળીયા ગામે પેઢી ધરાવતા જયરાજ ધનજીભાઈ પીપળીયાનું નામ આપ્યું છે.
કરોડો રૂપિયાની છેતરપિંડી : જયરાજ પીપળિયાએ 2022માં ગોંડલના સડક પીપળીયા ગામે પ્રમુખ ટ્રેડીંગ નામની પેઢી શરૂ કરી હતી. ઓફિસ ગોડાઉન ભાડે રાખી લોખંડના સળિયાનો વેપાર શરૂ કર્યો હતો. ફરિયાદી સાથે ધંધાકીય વાતચીત કરી ઓફિસે મળવા આવ્યો અને 15 દિવસમાં પેમેન્ટ ચૂકવી આપશે તેવી ખાતરી આપી હતી. શરૂઆતમાં લોખંડના સળિયાની ખરીદી કરી સમયસર પેમેન્ટ આપી દીધું હતું. ત્યારબાદ 15 જૂનથી 2 જુલાઈ દરમિયાન આરોપી જયરાજે ફરિયાદી પાસેથી દરરોજ લોખંડના સળિયા મંગાવ્યા હતા. જોકે બાદમાં આરોપી કુલ રુ. 1,45,20,430 નું પેમેન્ટ નહીં ચૂકવી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
બૂચ મારી ગાયબ થયો ગઠિયો : આરોપીનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી ફરિયાદી ગોંડલના સડક પીપળિયા ગામે આવેલી ઓફિસ અને ગોડાઉન તપાસ કરવા પહોંચ્યા. તો ગોડાઉન અને ઓફિસના માલીક દિવ્યેશ વીરડાએ જણાવ્યું કે, બે દિવસ પહેલાં જ રાજકોટ ધંધો કરવા જવાનું કહી ગોડાઉન અને ઓફિસ ખાલી કરી આરોપી જતો રહ્યો છે. બાદમાં આરોપીના ફ્લેટે તપાસ કરતાં ફ્લેટ પણ ખાલી કરી દીધો હતો અને મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.
8 વેપારી બન્યા ઠગના શિકાર : ફરિયાદીએ ઉધારીમાં માલ લઈ ગાયબ થયેલા ગઠિયાની તપાસ કરતા હતા, ત્યારે અન્ય વેપારીઓ પણ આ ગઠિયાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં અમદાવાદના વિશાલભાઈ પરીખની શ્રીનાથજી ટ્રેડ કોર્પ. પ્રા.લી.માંથી 2,42,86,814 રૂપિયા, ભાવનગરના સમીર અડવાણીની ઓમકાર એન્ટરપ્રાઈઝમાંથી 2,94,00,000 રૂપિયા, રાજકોટના ચેતનભાઈ પોપટની બાલાજી ઈસ્પાર્કમાંથી 5,30,430 રૂપિયા, અંજારના વેપારી હિતેશભાઈ શાહની મોના સ્ટીલમાંથી 5,43,12,984 રૂપિયા અને વેપારી ગૌરાંગભાઈ શાહની જય ભારત સ્ટીલમાંથી 3,12,98,514 રૂપિયા, ભાવનગરમાં વેપારી સાંતનુસિંહ ગોહિલની એમ.જી. સ્ટીલની પેઢીમાંથી 2,07,98,218 રૂપિયા અને ચેતનભાઈ પોપટ પાસેથી 37,40,000 રૂપિયાના લોખંડના સળિયા સહિતની જુદી જુદી ચીજવસ્તુઓ મંગાવી છેતરપિંડી કર્યાનું જાણવા મળ્યું હતું.
માતા-પિતાએ આપ્યો ચોંકાવનારો જવાબ : ગઠિયાના વતન બગસરાના પીઠળિયા ગામે તપાસ કરતાં તેના માતા-પિતાએ જણાવ્યું કે, અમારો દીકરો અમારા કહ્યામાં નથી અને અહીં આવતો નથી. આથી છેતરાયા હોવાની જાણ થતાં વેપારીઓએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. કુલ 8 વેપારીઓ પાસેથી ઉધારીમાં લોખંડના સળિયા સહિતની ચીજવસ્તુઓ લઈ 18.84 કરોડનું બૂચ મારી ભૂગર્ભમાં ઉતરી ગયેલા આરોપી જયરાજ પીઠળિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.