રાજકોટ: જસદણ પંથકમાં આગલા દિવસે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેને કારણે વીજપોલ ધરાશાઈ થઈ ગયો હતો. અને અહીંયા વિસ્તારોમાં ઇલેક્ટ્રિસિટીની ઉનપની પરિસ્થિતિ સર્જાઇ હતી. ત્યારે ખેડૂતો અને ખેતમજૂરો છેલ્લા એક અઠવાડિયાથી વીજળી વગર દિવસો કાઢી રહ્યા હોવાનું સામે આવ્યું છે જેમાં જવાબદાર તંત્ર ગોકળગાયની ગતિએ કામ કરી રહ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
વાવાઝોડા સમાન વરસાદ પડ્યો: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે ગત દિવસોમાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે વાવાઝોડા સમાન વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ વરસાદ પડવાના કારણે જસદણ, વિછીયા સહિતના પંથકની અંદર નુકસાની થયાની વિગતો મળી હતી. આ નુકસાનીની અંદર ભારે પવનને કારણે ઈલેક્ટ્રીક વિભાગના અનેક વીજપોલ તેમજ ટ્રાન્સફોર્મર સહિતની વસ્તુઓ વેરવિખેર થઈ ક્ષતિગ્રસ્ત થઈ હતી. ઉપરાંત વરસાદને કારણે થયેલ નુકસાન સામે તંત્ર કોઈ પણ પ્રકારના પગલાં ન લેતા સ્થાનિક ખેડૂતો, ખેત મજૂરો અને પશુપાલકો ઈલેક્ટ્રિકસીટીના અભાવના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓણો સામનો કરી રહ્યા છે.
ઈલેક્ટ્રિકસીટીનો અભાવ: કમોસમી અને વાવાઝોડા સમાન પડેલા વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉનાળાનો તૈયાર થયેલ મોલ વેરવિખેર થયો હતો. બીજી તરફ પશુપાલકો માટે પણ પરિસ્થિતિ ખૂબ મુશ્કેલ હતી કારણ કે, વરસાદના કારણે પશુઓને ખવડાવવા માટે રાખેલ ઘાસચારો પલળી ગયો હતો. ઘણા વિસ્તારોની અંદર નદીઓમાં પૂરના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ બધાની વચ્ચે હાલ લાઈટ ન હોવાથી ખેતર વિસ્તારમાં તેમજ સીમ વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વીજળી વગર પરેશાની: કમોસમી વરસાદથી થયેલ નુકસાનને લઈને ખેડૂતો અને પશુપાલકોએ આ મામલે તંત્રને રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય સમયે કાર્યવાહી તેમજ કામગીરી ન કરતાં સીમ વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા એક અઠવાડિયાથી વીજળી વગર પરેશાની ભોગવી રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. જો કે તંત્ર દ્વારા આ મામલે અલગ જ જવાબ સામે આવ્યા છે.
પાણીથી પણ વંચિત રહ્યા: વીજ પુરવઠો ન મળતા અહીંયા વિસ્તારના લોકો પાણીથી પણ વંચિત રહ્યા હોવાની માહિતી મળી છે. કારણ કે વીજળી વગર પાણીની મોટર કે પંપ સહિતની વસ્તુઓ ચાલુ થઈ શક્તિ નથી. ત્યારે તંત્ર દ્વારા કામગીરી પૂર્ણ થવા આવી હોવાની તેવી જાહેરાતો અને વાતો કરવામાં આવી છે.
ન છૂટકે આંદોલનના માર્ગે ઉતરવું પડશે: હાલ તંત્ર આ મામલે ખૂબ ધીમી ઝડમે કામ કરતાં હોવાથી વીજ પુરવઠાથી વંચિત અકળાયેલા ખેડૂતો, પશુપાલકો સહિતના લોકો માટે તાત્કાલિક અસરથી અને વહેલી તકે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ખેડૂતો અને આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, "જો તંત્ર ગોકળ ગાયની ગતિને બદલે ઝડપી કામ શરૂ નહીં કરે તો ન છૂટકે આંદોલનના માર્ગે ઉતરવું પડશે તેવું પણ જણાવ્યું છે."