રાજકોટ: ગુજરાત સહિત દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યાં છે ત્યારે રાજકોટની સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા કેટલાંક લોકોને પોતાની ગુમાવેલી રકમ પરત કરી હતી. મળતી વિગત મુજબ એક અરજદારને કોઈ અજાણ્યા વ્હોટસપ પરથી ચેટ કરીને બાદમાં ન્યૂડ વીડિયો કોલ કરવામાં આવ્યો હતો. બાદમાં અજાણ્યા મોબાઈલ પરથી ફોન કરીને દિલ્હી પોલીસની ઓળખ આપી કહ્યું કે, તમારા સામે ન્યૂડ વીડિયોની ફરિયાદ આવી છે. જેમાં તમારું ધરપકડ વોરંટ નીકળી ગયું હોય 8 વર્ષની સજા થશે અને કેસ બંધ કરવા માટે પેમેન્ટ કરવા જણાવતા અરજદારે ડરીને સામાવાળાને જીપેના માધ્યમથી અલગ-અલગ 84,672 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ફ્રોડ થયાની જાણ થતા હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરીને અરજી આપી હતી. જેના આધારે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અરજદારના ગુમાવેલા નાણાં પૈકી સામાવાળાના બેંક એકાઉન્ટ સીઝ કરી દેતા તે નાણા સામાવાળાના બેંક એકાઉન્ટમા બ્લોક થઇ ગયા હતા. બાદમાં અરજદારને કોર્ટમાં અરજી કરાવીને કોર્ટ હુકમ દ્વારા ફ્રોડમાં ગયેલ નાણાં પૈકી સામેવાળાના બેંક એકાઉન્ટમાંથી 45,172 અરજદારના બેંક ખાતામાં પરત અપાવ્યા હતા.
ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ટાસ્કના નામે છેતરપિંડી: અન્ય એક બનાવમાં એક અરજદાર સાથે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ ટાસ્કના નામે 95,700 ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેથી અરજદારે સાયબર ક્રાઇમ અરજી કરી હતી. જેની તપાસના અંતે સુઝબુઝથી અરજદારની ફ્રોડમાં ગયેલી કુલ રકમ પૈકી 29,800 નામદાર કોર્ટ મારફતે રિફંડ અપાવ્યા હતા.
રિફંડના બહાને એપ ડાઉનલોડ કરાવી છેતરપિંડી: જ્યારે વધુ એક આવા બનાવમાં અનુપમાબેન દિલીપભાઇ દોશી નામના વૃદ્ધાએ મીશોમાંથી પાર્સલ મંગાવ્યું હતું. જેમાં તેમણે ગાદલાના બે કવર મંગાવ્યા પણ તેમાં એક જ હોય અરજદારે કસ્ટમર કેરનો નંબર શોધી તેમા ફોન કરતા સામેથી પૈસા રિફંડ કરવાના બહાને અરજદારને એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવાયું હતું. બાદમાં ઓટીપી મેળવી 85,000 ફ્રોડથી ટ્રાન્સફર કરી નાખતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જેના આધારે ટેકનીકલ એનાલીસીસ અંતે પોલીસે ફ્રોડમાં ગયેલી પુરેપુરી રકમ 85,000 પરત અપાવી હતી.