રાજકોટ : ધોરાજી શહેરમાં રાજાશાહી વખતની નિર્મિત સરકારી હોસ્પિટલની બિલ્ડીંગ જૂની હોવાના કારણે આ બિલ્ડીંગના પુનઃનિર્માણ માટે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યો છે.
લલિત વસોયાનો આક્ષેપ : ધોરાજીના માજી ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડિમોલેશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો રૂપિયાનો કાટમાળ કોન્ટ્રાક્ટર ચાઉ કરી ગયા અને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન દ્વારા નવ લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવ્યો છે.
ધોરાજી હોસ્પિટલનું પુનઃનિર્માણ : આ અંગે લલિત વસોયાએ જણાવ્યું છે કે, ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડાયાલિસિસ અને આંખનો વિભાગ શરૂ કરવામાં આવતા બિલ્ડિંગમાં સકડાસ પડતા સરકાર દ્વારા જુનું ગોંડલ સ્ટેટ વખતનું જે બિલ્ડીંગ હતું તેના માટે પૈસાની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં તેમનું ટેન્ડર કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટર કામ કરવા માટે આવ્યો હતો. જેમાં જુના બર્માટીક સાગના એક કરોડ ઉપરાંતના લાકડા અને બારી દરવાજા લઈને કોન્ટ્રાક્ટર છુમંતર થઈ ગયો છે. ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને યોગ્ય કલ્યાણ સમિતિમાં ચાર વખત આ કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની નાગરિકતા ઠરાવો પણ કરવામાં આવ્યા છે.
ભાજપ આગેવાન પર ગંભીર આરોપ : લલિત વસોયાએ વધુમાં જણાવ્યું કે, આ બાબતે કોન્ટ્રાક્ટર અને એક ભારતીય જનતા પાર્ટીના આગેવાનની મિલીભગત છે. છ મહિના પછી આ કોન્ટ્રાક્ટર પર પોલીસ ફરિયાદ કરી કરોડો રૂપિયાના લાકડા પરત લેવાને બદલે ફક્ત તેમની 80 હજાર રૂપિયા જેવી રકમની ડિપોઝિટ જપ્ત કરી અને નવ લાખ રૂપિયા જેવી રકમનો ભાજપના આગેવાન દ્વારા વહીવટ કરવામાં આવ્યો છે. જો તેમના દ્વારા આ બાબતમાં કોઈ ભ્રષ્ટાચાર કરવામાં ન આવ્યો હોય તો આ કોન્ટ્રાક્ટર સામે એક કરોડથી વધારેની રકમના લાકડા ચોરી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી જોઈએ. સરકાર આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી માંગ છે.