રાજકોટઃ ધોરાજી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા લલિત વસોયાએ પોતાના કૉંગ્રેસ છોડવાના સમાચારોને રદિયો આપ્યો છે. સોશિયલ, પ્રિન્ટ અને ઈલેક્ટ્રીક મીડિયામાં લલિત વસોયા પક્ષપલટો કરવાના હોય તેવી વાત ફેલાઈ રહી છે. લલિત વસોયાએ આ સમાચારો પર પ્રતિક્રિયા આપતો વીડિયો જાહેર કર્યો છે.
કૉંગ્રેસ છોડવાની વાતને રદિયો આપ્યોઃ લલિત વસોયાએ ભાર પૂર્વક જણાવ્યું છે કે કૉંગ્રેસ પક્ષનું મારા પર ઋણ છે. આ ઋણ હુ ચૂકવીશ જ. વસોયા જણાવે છે કે, મને કૉંગ્રેસ પક્ષે વિધાન સભા, લોક સભા ચૂંટણીમાં ટિકિટ આપી છે તેમજ વિધાનસભામાં નાયબ દંડક અને જિલ્લા કૉંગ્રેસ પ્રમુખની જવાબદારી સોંપી છે. કૉંગ્રેસ પક્ષને હું છોડીને જવાનો નથી. કૉંગ્રેસ પક્ષનું મારા પર ઋણ છે તે હું અવશ્ય ચૂકવીશ. હું નબળા સમયમાં કૉંગ્રેસને મદદ કરતો રહીશ વગેરે વાતો જણાવીને તેમણે કૉંગ્રેસ છોડવાની વાતને રદિયો આપ્યો છે.
કોંગ્રેસ પાર્ટીએ વર્ષ 2017માં મને વિધાનસભા ટિકિટ આપી હતી. વર્ષ 2019માં પોરબંદર લોકસભાની ટિકિટ આપી હતી અને વર્ષ 2022માં પણ ફરીથી વિધાનસભાની ટિકિટ આપી હતી. તેમજ વિધાનસભાની અંદર નાયબ દંડકનું પદ ઉપરાંત તાજેતરમાં જ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. કોંગ્રેસ પાર્ટીના આ નબળા સમયમાં હું કોંગ્રેસનો ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું અને આ સંજોગોમાં પાર્ટીની આ નબળી સ્થિતિની અંદર તો હું પાર્ટી છોડીને જાવ તો હું એવું માનું છું કે મારી જનેતાનું ધાવણ લાજે...લલિત વસોયા(રાજકોટ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ)
પત્રકારોને સલાહ, સૂચના અને શીખામણઃ લલિત વસોયાએ પોતાના વીડિયોમાં પત્રકારોને ખાસ સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે, પત્રકાર મિત્રો આપ સમાચાર બેફામ છાપો પરંતુ તેની ખરાઈ કરી લો. આ રીતની અફવાઓને સમાચાર ન બનાવો. આવા ખોટા સમાચારોથી અમારા કાર્યકર્તાઓની લાગણી દુભાય છે તેમજ તેઓ અંદરખાને અમારા પર શંકા કરે છે. આમ જણાવીને લલિત વસોયાએ સમાચાર ખરાઈ કરવાની સલાહ પત્રકાર મિત્રોને આપી છે. તેમણે ફરીથી ભારપૂર્વક જણાવ્યું કે હું કૉંગ્રેસમાં જ છું અને રહેવાનું છે. પક્ષપલટાની વાતને તેમણે રદિયો આપ્યો છે.