રાજકોટ: તાજેતરમાં પડી રહેલા ભારે વરસાદની પરિસ્થિતિનો અંદાજ મેળવવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી અને રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેએ ઉપલેટા તથા ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં અતિ વરસાદના કારણે બંને તાલુકાઓના વિવિધ ગામોમાં થયેલ નુકસાનીનું નિરીક્ષણ કરી, અગ્રણીઓ તથા ગ્રામજનોની સમસ્યાઓ વિશેની બાબતોને ઉકેલવા સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ સુચના આપી હતી.

કલેકટર પ્રભાવ જોશીએ ઉપલેટા તાલુકાના ભીમોરા, લાઠ, તલંગણા, કુંઢેચ, મેલી મજેઠી, સમઢીયાળા વગેરે ગામોના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ, ગામના સરપંચ, આગેવાનો તથા અસરગ્રસ્ત લોકો સાથે સવાંદ કરી ખેતરોમાં થયેલ ધોવાણ અને ઘરોમાં પાણી ભરાવાના કારણે થયેલ નુકસાનીની માહિતી મેળવી હતી. જેમાં ભીમોરાથી કુંઢેચ સુધીના રસ્તા પર નીચાણવાળા કોઝવે પર પાણી ભરાતા રસ્તાઓ બંધ થઈ જતા હોય છે. જેના કારણે લાઠ તથા ભીમોરા ગામો મુખ્ય માર્ગથી વિખૂટા પડી જાય છે.

સર્વેની કામગીરીની સમીક્ષા હાથ ધરી: આ પ્રશ્નનો નિકાલ લાવવા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. તેમજ અસરગ્રસ્ત ગામોમાં ઘરવખરીની નુકસાની થઈ છે તેનો સર્વે ચાલુ હોય તે વિસ્તારની પણ મુલાકાત લઈ આ સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી. ભારે વરસાદના કારણે નિર્માણ પામેલ પરિસ્થિતિને લીધે કોઈ રોગચાળો વકરે નહીં તેના માટે સત્વરે કાર્યવાહી કરવા તાલુકા હેલ્થ ઓફિસરને જરૂરી સુચના આપી હતી. આ તકે ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા કરાતી સર્વેની કામગીરીની સમીક્ષા પણ બંને અધિકારીઓએ કરી હતી.

વિભાગના અધિકારીઓની બેઠક યોજાઈ: ધોરાજી પ્રાંત અધિકારીની કચેરી ખાતે ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ વિભાગના અધિકારીઓની બેઠક યોજી હાલની પરિસ્થિતિ અંગે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચના આપી હતી. જેમાં આ તકે કલેકટરની અને જિલ્લા વિકાસ અધિકારીની આ મુલાકાત સમયે પ્રાંત અધિકારી જે. એન. લીખિયા, ઉપલેટા મામલતદાર મહેશ ધનવાણી, તાલુકા વિકાસ અધિકારી, પાટણવાવ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ., વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ, સંબંધિત ગામોના સરપંચો તાલુકા વિકાસ અધિકારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોઝ વે પર પાણી ફરી વળતાં રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટા તાલુકાના પાંચ માર્ગો પર વાહનવ્યહાર બંધ થયો છે. ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના પાંચ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. (ઓવર ટોપિંગ) તેમજ કોઝ વે ડેમેજ થયા છે. જેના લીધે આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ થયો છે.

આર. એન્ડ બી. પંચાયતની યાદીમાં જણાવાયા પ્રમાણે નીચે મુજબના રસ્તાઓ બંધ થયા છે.
- રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ કોઝવે ડેમેજ થવાથી બંધ કરાયો છે. જેનાથી મેરવદર ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. જેના વિકલ્પમાં ગણોદ, તણસવા, મેરવદર રોડ શરૂ કરાયો છે. આ રોડનું રિપેરિંગ કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
- ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. જેનાથી સાતવડી ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ માર્ગ પાણી ઉતર્યા બાદ રોડ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
- ઉપલેટા તાલુકાનો ગઢાળા એપ્રોચ રોડ કોઝ વે ડેમેજ થવાના લીધે બંધ થયો છે. જેનાથી ગઢાળા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ રોડ સામે ગઢાળા-કેરાળા રોડ શરૂ કરાયો છે. રિપેરિંગ કરીને આ રોડ ટ્રાફિક માટે શરૂ કરવાામાં આવશે.
- ધોરાજી તાલુકાનો છત્રાસા-વંથલી રોડ અતિભારે વરસાદના લીધે નદીમાં પૂર આવતા કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. જેનાથી છત્રાસા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. આ માર્ગ પાણી ઓસર્યા બાદ રસ્તો તુરંત શરૂ કરાશે.
- ધોરાજી તાલુકાનો છત્રાસા-ઝાપોદડ રોડ કોઝ વે પર પાણી ફરી વળતાં તેમજ કોઝ વે ડેમેજ થવાથી બંધ થયો છે. આ રોડ પાણી ઓસર્યા બાદ રોડની મરામત કરીને ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.
પ્રભાવ જોશીનું નિવેદન: રાજકોટ જિલ્લાના ઉપલેટા સહિતના આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક ઉપરાંત જમીનો પણ ધોવાઈ ગઈ હતી. રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. સમગ્ર મામલે જિલ્લા કલેકટર પ્રભાવ જોશીએ જણાવ્યું હતું કેખેતીવાડી વિભાગ,આર.એન.બી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવ્યો,ઉપલેટા તાલુકાના લાઠ, ભીમોરા, તલગણા, કુંઢેચ, સમઢીયાળા સહિતના ગામડાઓમાં સર્વે કામગીરી શરૂ કરાઇ છે. ભારે વરસાદના કારણે જમીનો અને પાકનું નુકશાન થયું, નદી કાંઠાના વિસ્તારોમાં જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું,જે લોકોના ઘરમાં નુકશાન થયું તેનો સર્વે કરવામા આવ્યો,આઠ દિવસમાં સર્વે કરવામાં આવશે જે પણ સરકારની ગાઈડલાઈન હશે તે મુજબ સહાય મળશે.
