રાજકોટ : આમ તો જેલનું નામ પડે એટલે સારા વિચારો ન આવે, પરંતુ બંદીવાન ભાઈઓ પણ સારા માર્ગે ચાલે તે માટે રાજકોટ જેલ પ્રશાસન સતત પ્રયાસ કરી રહ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ સેન્ટ્રલ જેલમાં શિક્ષણ આપવામાં આવ્યું અને નવ જેટલા બંદીવાન ભાઈઓએ આ વર્ષે ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષા આપી અને ઉત્તીર્ણ પણ થયા છે.
રાજકોટ જેલમાં ઉમદા પહેલ : તમે કાયદો તોડો કે કોઈ ગુનો કરો અને તમારા વિરુદ્ધ કાર્યવાહી થાય એટલે તમારે જેલવાસ ભોગવો પડે. જેલમાં રહેવું બહુ મુશ્કેલ હોય છે. પરંતુ જેલમાં રહી પોતાની ભૂલ સુધારી અને સાચા માર્ગ ચાલવાનો પ્રયાસ કરવો એ પણ એક મહત્વની બાબત છે. ત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલમાં જુદી જુદી ગુનાહિત પ્રવૃત્તિ કરનાર કેટલાય બંદીવાન ભાઈઓ રહે છે. તેમાંથી કેટલાક બંદીવાન ભાઈઓ આગામી દિવસોમાં સારા માર્ગ ઉપર ચાલે અને ફરી ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તેવા પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવતા હોય છે.
બંદીવાન ભાઈઓએ CFN પરિક્ષા કરી પાસ: રાજકોટ સેન્ટ્રલ જેલમાં આ વખતે ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં નવ બંદીવાન ભાઈઓએ સી.એફ.એન. ની પરીક્ષા આપી હતી. જે તમામ બદીવાન ભાઈઓ પાસ થતા તેમને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાંથી સાત બંદીવાન ભાઈઓ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા છે, તો બે બંદીવાન ભાઈઓને જેલમુક્ત પણ કરાયા છે. પરંતુ ભવિષ્યમાં પોતાના પરિવારનું સારી રીતે ગુજરાન ચલાવી શકે તેના માટે ભણતર બહુ જરૂરી હોય છે. તેવા ઉદ્દેશ સાથે જેલમાં પણ બદીવાન ભાઈઓ ભણી શકે અને પોતાની સ્કીલ ડેવલપ કરી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે.