રાજકોટ: વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકેની ઓળખ બનાવનાર ભાજપ 2 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન-2024નો પ્રારંભ કરી રહી છે. લોકોને ભાજપમાં જોડવા માટે સંપર્ક કરાશે અને પાર્ટીની વિચારધારા સાથે જોડવામાં આવશે. પરંતુ રાજકોટ શહેર ભાજપે પાર્ટીમાં લોકોને જોડવા માટે ભ્રષ્ટાચારના મામલામાં જે 2 મહિલા કોર્પોરેટરને 6 વર્ષ માટે ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે. તે 2 મહિલા કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપીને શહેર ભાજપનું ભોપાળું છતું થયું છે.
ભાજપે 2 કોર્પોરેટરોને સસ્પેન્ડ કર્યા: વધુમાં મળતી વિગત મુજબ શહેરના સંત કબીર રોડ પરના ગોકુલનગર આવાસ યોજનાનો 7મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી ડ્રો કર્યો હતો. આ ડ્રોમાં વોર્ડ નં.5ના ભાજપના કોર્પોરેટર વજીબેન ગોલતરના પતિ કવા ગોલતર અને વોર્ડ નં.6ના ભાજપના કોર્પોરેટર દેવુબેન જાદવના પતિ મનસુખ જાદવે મળી પોતાના નામે તથાં સંબંધીઓના નામે 20 આવાસ મેળવી લીધાનો વિગતો સામે આવી હતી. જેથી એ ડ્રો રદ કરવામાં આવ્યો અને ભાજપે વોર્ડ નં.5ના નગરસેવિકા વજીબેન ગોલતર અને વોર્ડ નં.6ના દેવુબેન જાદવને 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
ભાજપે લોકોને મૂર્ખ બનાવ્યાનો આક્ષેપ: રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપના 68 કોર્પોરેટર હતા. આ બંને મહિલા કોર્પોરેટરને સસ્પેન્ડ કરી દેવામાં આવતા મનપાના ચોપડે આજની તારીખે ભાજપના 66 કોર્પોરેટર છે. શહેર અને પ્રદેશના આગેવાનો આજે પણ દાવો કરી રહ્યા છે કે, ભાજપ ભ્રષ્ટાચારને સાંખી નહીં લે અને તે માટે જ બે મહિલા કોર્પોરેટરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે, પરંતુ આ વાત તદન ખોટી છે. ભાજપના જ મોભીઓએ બંને મહિલા કોર્પોરેટરને પાછલા બારણેથી પક્ષમાં પ્રવેશ આપી લોકોને વધુ એક વખત મૂર્ખ બનાવ્યા છે. સદસ્યતા અભિયાનની વોર્ડ વાઇઝ જવાબદારી નક્કી કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.5માં કોર્પોરેટર વજીબેન ગોલતરને અને વોર્ડ નં.6માં દેવુબેન જાદવનો પણ અન્ય કોર્પોરેટર સાથે સમાવેશ કરવામાં આવ્યો છે.
2 મહિલા કાર્યકરોને જવાબદારી સોંપાઇ: જો બંને મહિલા કોર્પોરેટર પક્ષમાંથી સસ્પેન્ડ છે. તો તેને સદસ્યતા અભિયાનમાં શા માટે જોડવામાં આવ્યા. ત્યારે આ મામલે કોગ્રેસના આગેવાન મહેશ રાજપૂત કહ્યું હતું કે, ભાજપમાંથી સસ્પેન્ડ 2 કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાવામાં આવ્યો છે. એના પરથી સાબિત થાય છે કે લોકોને દેખાડવા માટે પાર્ટીમાંથી લોકોને સસ્પેન્ડ કરાય છે અને લોકોને એમ થાય કે અને ભ્રષ્ટાચારી પર કઈક કાર્યવાહી કરી છે. એટલે માત્ર સસ્પેન્ડના દેખાડા કરે છે. આ લોકોને ક્યારેય સસ્પેન્ડ કર્યા જ નથી, તમામ જગ્યાએ જોવા જ મળે છે . બંને સામે ચાલી રહેલી આવાસ કૌભાંડની તપાસમાં પણ કંઈ થયું નથી. આ કૌભાંડમાં મોટા માથાઓ પણ સામેલ છે એટલે તેમની સામે કાર્યવાહી નથી કરાવવામાં આવતી.
6 વર્ષથી સસ્પેન્ડ લોકો ભાજપમાં સક્રિય: 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયેલા લોકોને 1 વર્ષમાં ફરી ભાજપમાં સક્રિય થાય છે. તે એક પણ ચર્ચા જગાવે છે. આ મામલે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી જણાવ્યું કે, ભાજપ દ્વારા આજથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં 28 રાજ્યમાં 10 કરોડથી વધુ સદસ્યતા બનાવવાનો લક્ષ્યાંક છે. અમારી પાર્ટી મોટી છે. અને જે લોકો અમારી ભૂલ ધ્યાન અમને ધ્યાન દોર્યું તે બદલ તેમનો આભાર થી જે કંઈ પણ ભૂલચૂક થઈ છે. તે બદલ હું માફી માંગુ છું. અમારા દ્વારા જાણે કે અજાણે ભૂલ ચૂક થઈ છે પરંતુ અમારા દ્વારા સસ્પેન્ડેડ કોર્પોરેટરોને ક્યારેય પણ પાર્ટીની એક પણ બેઠક કે કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવતા નથી. સસ્પેન્ડેડ કોર્પોરેટરો વિરુદ્ધ જે તપાસ ચાલુ છે તે અંગે કોર્પોરેશનનો વિષય છે.જેમાં હું કંઈ પણ ટિકા ટિપ્પણી નહિ કરું એવું જણાવ્યું હતું.
આ પણ વાંચો: