વડોદરા: સતત વરસી રહેલા વરસાદને પગલે વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાય ગયું છે. એનડીઆરએફ, પોલીસ તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી લોકોની બચાવ કામગીરી આરંભી દેવામાં આવી હતી. તો ક્યાંક ને ક્યાંક લોકોને હેલિકોપ્ટર દ્વારા પણ બહાર કાઢવામાં આવ્યા હતા. વડોદરા શહેર એક સંસ્કારી નગરી તરીકે જાણીતું છે. સાથે સાથે એક મગરની નગરી તરીકે પણ પ્રચલિત થઈ ગયું છે. પૂરની સ્થિતિમાં મગરો પણ પુષ્કળ પ્રમાણમાં શહેરમાં જોવા મળે છે. જેથી લોકો પોતાનો જીવ બચાવવા માટે પણ સાવચેત થઈ ગયા છે. તમે ડ્રોનના ફોટોગ્રાફી દ્વારા પણ માલુમ પડશે કે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થયેલું જોવા મળે છે.
NSRFની ટીમે ગર્ભવતી મહિલાને બચાવી: વડોદરા શહેરના સાવલી રોડ સમા ખાતે પૂરના પાણીમાં ફસાય ગયેલી સગર્ભા મહિલા અંગે જિલ્લા વહીવટી તંત્રને માહિતી મળી હતી. જે મુજબ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી. ટીમે હરણી સમા લિંક રોડ વિસ્તારમાં રાજ્ય ફાયર બ્રિગેડ સાથે સંયુક્ત બચાવ કામગીરી હાથ ધરી હતી અને પતિ સાથે ગર્ભવતી મહિલાને સલામત બહાર કાઢી હતી. મળસ્કે એનડીઆરએફની ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સગર્ભા સ્ત્રી અને પતિએ તંત્રનો ખુબ ખુબ આભાર માન્યો હતો તેઓનો જીવ બચી જતા ભગવાનનો ઉપકાર પણ માન્યો હતો.
સર્વે જગ્યાએ પાણી જ પાણી: આજવા સરોવરના દરવાજા બંધ કરી દેવામાં આવતા રાહત થશે, તેવો અંદાજો લગાડવામાં આવતો હતો. પરંતુ પરિસ્થિતી વિપરીત થઇ રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં પાણી ભરાતું ન હતું, ત્યાં પણ પાણી ભરાઇ જવા પામ્યું છે. લોકોના ઘર સુધી પાણી પહોંચતા પાલિકાની નિષ્ફળ કામગીરી ખુલ્લી પડી જવા પામી છે. વડોદરાના કડક બજાર વિસ્તારમાં તો દુકાનની છત સુધી પાણી પહોંચે તેવી દહેશત જોવા મળી રહી છે. વડોદરાના કડક માર્કેટમાં શાકભાજી, અને કરિયાણાના હોલસેલના વેપારીઓ મોટી સંખ્યામાં દુકાનો ધરાવે છે. શહેરની સ્થિતી સમય જતા સુધરવાની જગ્યાએ પડકારજનક થઇ રહી છે.
માંજલપુર વિસ્તારની સ્થિતિ અતિશય કફોળી બની: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વુડ્સ વિલા ફ્લેટમાં રહેતા 65 ફ્લેટના રહીશો પાસે જમવાનું રહ્યું નથી, પાણી પણ આજે ખલાસ થઈ જશે અને વીજળી પણ ડુલ થઈ ગઈ છે, ત્યારે રહીશો પાસે પાણી અને જમવાનું મળી રહે તેવી માગ કરી રહ્યા છે. સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ તેઓએ જણાવ્યું હતું કે અમારી પાસે હવે જમવાનું રહ્યું નથી. પાણી પણ આજે ખલાસ થઈ જશે. વીજળી ન હોવાથી અમારો આજે સાંજ સુધીમાં સંપર્ક પણ કદાચ તૂટી જશે, જેથી અમારી તંત્રને અપીલ છે કે, અમારા સુધી જમવાનું અને પાણી પહોંચાડવામાં આવે.
પુરમાં ડુબેલા વડોદરામાં હવે મગરોનું રાજ: શિકાર કરતાં ખુંખાર મગરનો વિડિયો વાયરલ થયો છે. જેમાં વિડિયો ઉતારતા બાળકોનો સંવાદ સાંભળવા જેવો છે કે મેં મારી લાઈફમાં આટલો મોટો મગર પહેલીવાર જોયો, તગડો શિકાર કરી લીધો.
અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ વડોદરા શહેરમાં સોમવારે સવારે 6 થી 12 વાગ્યાની વચ્ચે 307 મીમી વરસાદ નોંધાયો હતો, જેના પરિણામે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બુધવારે પણ અનેક વિસ્તારોમાં કમર સમા પાણી ભરાયા છે. એક ખૂણો બાકી નથી કે ત્યાં પાણી ન હોય. આખુ વડોદરા જાણે કે પાણીમાં ગરકાવ થયુ છે. લોકો ઘરની બહાર પણ નીકળી શકે તેમ નથી.