નવસારી: જિલ્લાના ગણદેવી વિસ્તારના બે યુવાનોને રેલ્વેમાં નોકરી અપાવવાની લાલચે નવસારીની સમાજ સેવિકા રીશિદા ઠાકુરે દિલ્હીના સાગરીતો સાથે મળીને 31.47 લાખ રૂપિયા પડાવી દીધા હતા. નવસારી LCB પોલીસ દ્વારા ટેકનીકલ સર્વેલન્સની મદદથી ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડાથી આ આરોપીને પકડી પાડી હતી. પોલીસે રીશિદા ઠાકૂરના રિમાન્ડ મેળવી, તેના 4 સાથીદારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી: સરકારી નોકરી મેળવવાની લાલચમાં આવીને યુવાનો ઠગ ભગતોની જાળમાં ફસાઇ જતા હોવાના અનેક કિસ્સા છે, તેમ છતાં પણ એનક યુવાનો હજી પણ સરકારી નોકરીની લાલચમાં લાખો રૂપિયા ગુમાવી બેસે છે. આવો જ કિસ્સો નવસારી ટાઉન પોલીસના ફરિયાદી ચોપડે નોંધાયો હતો. જેમાં નવસારીના ઘેલાખડી વિસ્તારમાં રહેતી 31 વર્ષીય રીશિદા ઠાકૂર આ પ્રકારના કામ કઢાવવામાં તે માહિર છે. તેણીએ તપસ્યા નારી સેવા સમિતિના નામે NGO બનાવી હતી તેમજ તેણે અનેક નામી મહાનુભાવો સાથે ફોટો પણ પડાવ્યા હતા આમ તે NGOની આડમાં છેતરપિંડી કરતી હતી.
NGOની આડમાં કરી ગોરખધંધા: ગત 2021માં રીશિદાએ પોતાના NGO સાથે જોડાયેલા દિલ્હીના જગમિત સિંહ, આશુતોષ અરોરા, નિખિલ છાબરા અને ગોરખ ધામા નામના વ્યક્તિઓની મદદથી રેલવેમાં નોકરી આપવાનું ષડયંત્ર રચ્યું હતું જેમાં જરૂરિયાતમંદ યુવાનોને પોતાની જાડમાં ફસાવી સરકારી નોકરી અપાવવાનો કારસો રચ્યો હતો. જેમાં નવસારીના ગણદેવીમાં રહેતા કરાટે શિક્ષક વિપીન કુશવાહા અને તેનો મિત્ર અભિષેક પટેલ ફસાઈ ગયાં હતાં.
દિલ્હી રેલ્વે યાર્ડમાં તાલીમ પણ અપાવી: આ ઠગ લોકોએ વિપીન અને અભિષેકને રેલ્વેનો કોલ લેટર અને ID કાર્ડ પણ કાઢી આપ્યો હતો. આ ઉપરાંત કોઈ જુગાડ કરીને તેમને દિલ્હી રેલ્વે યાર્ડમાં તાલીમ પણ અપાવી હતી. પરંતુ તાલીમ બાદ પોસ્ટીંગ આપવામાં આગળ પાછળ કરતા બંનેને છેતરાયાનો અનુભવ થયો. આથી વિપીને રીશિદા ઠાકૂર તેમજ તેના ચાર સાગરીતો વિરૂદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અંતે પોલીસ પકડમાં આવી રીશિદા: આ દરમિયાન નવસારી LCB પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી રીશિદા દિલ્હીમાં છે તેવી માહિતી મેળવી. ત્યારબાદ એક મહિલા PSI સાથેની ટીમ લઈને તેઓ દિલ્હી પહોંચ્યા. પરંતુ રીશિદા ત્યાંથી પણ ભાગી ગઈ હતી. આ બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરી જે દ્વારા તેમણે જાણવા મળ્યું કે, રીશિદા ગ્રેટર નોઇડાના જલાપુર થાણાના રોઝા સ્થિત સમૃદ્ધિ ગ્રાંડ એવન્યુમાં રહે છે. અને તેને પકડવા પોલીસ ત્યાં પહોંચી, ત્યાં છાપો મારી, આરોપી રીશિદા ઠાકૂરને ઝડપી પાડી હતી. LCB પોલીસે આરોપી રીશિદાને નવસારી લાવી, લાખોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપી છે.
મીડિયાકર્મીઓ સાથે કર્યો ગેરવર્તન: ઉલ્લેખનિય છે કે, લાખોની છેતરપિંડી આચર્યા બાદ પોલીસ પકડમાં આરોપીના વીડિયો કરવા પહોંચેલા મીડિયા કર્મીઓના કેમેરા ઉપર તેણીએ તરાપ મારી વીડિયો કરતા અટકાવ્યા હતા. સાથે જ મીડિયાકર્મીઓ અને મહિલા પોલીસ સાથે પણ ગેરવર્તન કરી પોતાની અકડ બતાવવાનો પ્રયાસ કર્યો હતો.
ધરપકડથી બચવા પહેલાથી જ જમીનની અરજી કરી: આપને જણાવી દઈએ કે, ધરપકડથી બચવા માટે રીશિદા ઠાકૂરે નવસારી કોર્ટમાં પહેલાથી જ જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે દ્વારા નામંજૂર કરવામાં આવી હતી.
પોલીસે શું કહ્યું ? જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે આ મુદ્દે જણાવ્યું હતું કે, "રેલવેમાં નોકરી આપવાના બહાને ઠગાઈ કરનાર રીશિદા ઠાકૂર તેમજ તેના ચાર સાગરીતો વિરૂદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને પગલે પોલીસે આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં નવસારી LCB પોલીસે બાતમીદારો અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી રીશિદા વિશે માહિતી મેળવી તે જ્યાં છુપાયેલી હતી ત્યાં છાપો મારી, આરોપી રીશિદા ઠાકૂરને ઝડપી પાડી હતી. LCB પોલીસે આરોપી રીશિદાને નવસારી લાવી, લાખોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપી છે."