કચ્છ : ભુજના રફીકભાઈ પઠાણ 5000 થી વધુ અલગ અલગ જાતના સિક્કાનું કલેક્શન ધરાવે છે. છેલ્લા 15 વર્ષથી સિક્કાઓનો સંગ્રહ કરતા રફીક પઠાણ અગાઉ બેંકમાં નોકરી કરતા હતા. બેંકમાં ઓપરેશન કાર્ય કરતા સમયે ખામી વાળી કે અલગ જ સિરિયલ નંબર વાળી નોટ કે મિસ પ્રિન્ટ થયેલા સિક્કાને રફીકભાઈ અલગ તારવીને સંગ્રહ કરતા હતા, બસ ત્યારથી તેમનામાં સિક્કા સંગ્રહ કરવાનો શોખ કેળવાયો અને સિક્કાની જાળવણીના ભાગરૂપે આલ્બમમાં ખૂબ જ સારી રીતે વિવિધ સિક્કા તેના ઈતિહાસ અને વિશેષતા સહિતની માહિતી સાથે સજાવતા ગયા.
અમૂલ્ય સિક્કાનો સંગ્રહ : રફીકભાઈના સંગ્રહમાં વિવિધ દેવી-દેવતાઓની આકૃતિ તેમજ સાથીયા, ક્રોસ માર્ક, સ્વતંત્ર સેનાની, દેશના મહાનુભાવો, બ્રિટિશ સરકારના ઓફિસર તેમજ દેશ વિદેશના સ્થાપત્યોની હોલી સાઈન તેમજ આકૃતિના સિક્કા પણ જોવા મળે છે. રફીકભાઈ પાસે દરેક મેટલના સિક્કા છે, જેમાં સોના-ચાંદી, તાંબાના અને લેડ વગેરે જેવા સિક્કા છે. તેઓ કોઈ પણ કાર્યક્રમમાં અન્ય શહેર કે ગામડામાં જાય તો ત્યાંના લોકોને મળી અને શોખને આધીન તપાસ કરતા હોય છે. ત્યાં કોઈ સિક્કા વેંચતું હોય કે સંગ્રહ કરતું હોય તો તેમની પાસેથી સિક્કા ખરીદી અલગ અલગ જાતના સિક્કા કલેકટ કર્યા છે.
2500 વર્ષ જૂના સિક્કા : રફીકભાઈ પાસે આજે સૌથી જૂના સિક્કા છે, જેમાં ખાસ કરીને સોના-ચાંદીના સિક્કા પણ છે, જે ખૂબ સારું આકર્ષણ ઊભું કરે છે. રફીકભાઈ પાસે 2500 થી 3000 વર્ષ જૂના સિક્કાનું કલેક્શન પણ જોવા મળે છે. એટલે કે 150 BC માં ચંદ્રગુપ્ત મૌર્યના સમયનો તાંબાનો સિક્કો પણ તેમણે સંગ્રહિત કર્યો છે. પ્રાચીન સિક્કા અંગે તેમની પાસે વિસ્તૃત માહિતી પણ છે. રફીકભાઈ પાસે રહેલા સિક્કા નિહાળવા તે પણ એક રસપ્રદ વાત છે.

રાજાશાહી સમયના પ્રાચીન સિક્કા : કચ્છના જૂના રાજવીઓ પોતાના નામના અને પોતાના ચિત્ર વાળા સિક્કા બનાવીને ચલણમાં મૂકતા હતા. 15 મી સદીમાં જ્યારે કચ્છની સ્થાપના થઈ ત્યારે મહારાવ ખેંગારજી પહેલાંના સમયમાં કચ્છ રાજ્યના સિક્કા બહાર પાડવામાં આવતા હતા. જેમાં નાના ચલણ તરીકે તાંબિયા, દોકડા, ઢીંગલા અને ઢબુ તાંબાના સિક્કા હતા. તો મોટા ચલણ રૂપે કોરી, આધિયો, પાંચિયો અને અડધિયો સિક્કા ચાંદીના હતા. જ્યારે મહારાવશ્રી વિજયરાજજીના રાજમાં સિક્કાના નામ બદલીને ઢીંગલા, ઢબુ, આધિયો અને પાયલો રાખવામાં આવ્યા હતા.
સોના-ચાંદીના સિક્કાનું કલેક્શન : વર્ષ 1948માં મહારાવ મદનસિંહના સમયમાં કચ્છમાં એક ટંકશાળ હતી. ટંકશાળ એટલે કે જ્યાં ચલણી નાણું છાપવામાં આવતું હોય તે સ્થળ. 300 વર્ષ અગાઉ દરબાર ગઢની બહાર જ જૂની ટંકશાળ હતી, જ્યાં કચ્છ રાજ્યનું તત્કાલિન ચલણી નાણું છપાતું અને દર અષાઢી બીજે અહીં નવા સિક્કા રાજા દ્વારા બહાર પાડવામાં આવતા હતા. ત્યારે વર્ષ 1948 માં એક સોનાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો, જેની એક તરફ ‘જય હિન્દ, કોરી એક, ભુજ′ અને બીજી તરફ ‘મહારાવશ્રી મદનસિંહજી કચ્છ 2004’ લખેલું હતું. આ સિક્કો પણ રફીકભાઈના કલેક્શનમાં છે.
કનિષ્ક રાજાનો સામ્રાજ્ય કાળ : પહેલી સદીના સમયના કનિષ્ક રાજાના સામ્રાજ્યમાં જોવા મળતા સિક્કામાં મહાદેવની આકૃતિ જોવા મળે છે. સૌ પ્રથમ કનિષ્ક રાજાએ શિવ ભગવાન તાંડવ કરતા સિક્કા પર દર્શાવ્યા હતા. ત્યારબાદ વિવિધ રાજાઓએ રામ-લક્ષ્મણની કૃતિવાળા સિક્કા બહાર પાડ્યા હતા. તો ગણેશજી અને હનુમાનજીની કૃતિવાળા સિક્કાનો પણ સંગ્રહ રફીકભાઈએ કર્યો છે.

કચ્છી રજવાડાના સિક્કા : ગુજરાતમાં છેક 1948 ની સાલ સુધી કચ્છ અને ગાયકવાડ જેવા મોટા રજવાડાના સિક્કા ચલણમાં હતા. એમાં કચ્છના ચલણનું હૂંડિયામણની દૃષ્ટિએ ખૂબ મહત્વ હતું. 1948 સુધી કચ્છ અલગ રાજ્ય તરીકે હતું. આજે પણ કચ્છમાં અનેક લોકોએ સિંધ પ્રાંતના સમયથી અત્યાર સુધીના વિવિધ સિક્કાઓનું કલેક્શન કર્યું છે. અગાઉના રાજાઓ પોતાના નામના અને પોતાના ચિત્રવાળા સિક્કા બનાવીને ચલણમાં મૂકતા હતા.
‘જય હિન્દ, કોરી એક, ભુજ′ મહારાવ વિજયરાજજીના (1942-1948) સમયમાં વચ્ચે કાણાવાળા તાંબાના સિક્કા બહાર પાડવા સાથે ચાંદીનો 10 કોરીનો સિક્કો પણ હતો. અંતમાં મહારાવશ્રી મદનસિંહજી થોડા મહિનાઓ પૂરતા ગાદી પર બેઠા ત્યારે ઈસવીસન 1948 માં સિક્કા પર મોગલ અથવા બ્રિટિશ સત્તાના ઉલ્લેખને બદલે એક તરફ ‘જય હિન્દ, કોરી એક, ભુજ′ અને બીજી તરફ ‘મહારાવશ્રી મદનસિંહજી કચ્છ 2004' એમ દેવનાગરી શબ્દો તથા કટારી, ત્રિશૂળ અને ચંદ્રના નિશાન હતાં.
સિક્કાનો ઇતિહાસ અને વિશેષતા : રફીકભાઈ પાસે રહેલા અમુક સિક્કાની કિંમત તો લાખોમાં છે. તો 2 રૂપિયાના મિસ પ્રિન્ટ થયેલા સિક્કાની કિંમત પણ 2000 રૂપિયા જેટલી થાય છે. અમુક સિક્કા કે જે ખૂબ જ પ્રાચીન છે તે સિક્કા તો અમૂલ્ય છે, તેવું તેમણે જણાવ્યું હતું. આમ રફીકભાઈએ માત્ર સિક્કાઓનો સંગ્રહ નથી કર્યો પરંતુ સાથે સાથે દરેક સિક્કાની શું વિશેષતા છે ? કયા સમયનો સિક્કો છે ? તેનો ઈતિહાસ શું છે ? વગેરે રસપ્રદ માહિતી પણ તેમની પાસે છે.