પાટણઃ રાધનપુર શહેરના વોર્ડ નં.7માં લોકસભા ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા છે. આ બેનર્સને લીધે રાધનપુર રાજકારણ ગરમાયું છે. આ વિસ્તારના રામનગર 1 અને 2ના રહીશો વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિત છે. આજે રહીશોનો રોષ આસમાને પહોંચ્યો અને તેમણે લોકસભા ચૂંટણી 2024ના બહિષ્કારના બેનર્સ લગાડી દીધા છે.
![વર્ષોથી પાયાની સુવિધાથી વંચિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-02-2024/20825892_b_aspera.jpg)
પાયાની સુવિધાઓથી વંચિતઃ રાધનપુર વોર્ડ નં. 7ના રામનગર 1 અને 2માં ઘણા વર્ષોથી નાગરિકોને પાયાની સુવિધા મળી રહી નથી. જેમાં લાઈટ સાફ-સફાઈ, ભૂગર્ભ ગટર, પાકા રોડ વગેરેનો સમાવેશ થાય છે. આ સુવિધાઓને અભાવે રહીશોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. તેછી નાછુટકે આ વિસ્તારના રહીશોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યુ છે. રહીશોએ બેનર્સ લગાડીને રાજકીય પક્ષો સામે નારાજગી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી પણ આ જ વિસ્તારમાં રહે છે. તેમની નજર સામે આ સમસ્યાઓ છે છતાં તેઓ સત્તાધીશો પાસેથી યોગ્ય નિરાકરણ અને ઉકેલ લાવી શકતા નથી.
વારંવાર રજૂઆતોનું પરિણામ શૂન્યઃ રાધનપુરમાં છેલ્લા કેટલાક સમયથી રોડ-રસ્તા, ભૂગર્ભ ગટરની સમસ્યાઓથી શહેરીજનો પીડાઈ રહ્યા છે. નગર પાલિકાના સત્તાધીશોના અણગઢ વહીવટને કારણે રહીશોને હાલાકીનો સામનો કરવો પડે છે. રાધનપુરમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાઓથી ત્રસ્ત બનેલા રહીશોએ અગાઉ નગર પાલિકા ચિફ ઓફિસરની ચેમ્બરમાં કાદવ અને કિચડ નાખી વિરોધ કર્યો હતો. આટલી આકરી રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યાનો પ્રશ્ન ઉકેલ્યો નથી.
ચૂંટણી સમયે ઉમેદવારો તરફથી વચનો આપી મતો અંકે કરવામાં આવે છે પણ ચૂંટણી જીત્યા બાદ કોઈપણ પક્ષનો ઉમેદવાર આ વિસ્તારની પાયાની સમસ્યાઓ ઉકેલવામાં રસ લેતા નથી. અમને વર્ષોથી લાઈટ સાફ-સફાઈ, ભૂગર્ભ ગટર, પાકા રોડ જેવી પાયાની સુવિધા મળી નથી. તેથી અમે લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ...બાબુજી ઠાકોર(સ્થાનિક, વોર્ડ નં.7, રાધનપુર)