સુરત : માંડવી તાલુકાના અરેઠ ગામમાં કાર્યરત સ્ટોન ક્વોરીનો ફરી એકવાર ગ્રામજનોએ વિરોધ કર્યો છે. ગ્રામજનોના વિરોધ પ્રદર્શનને લઇને સ્થળ પર પોલીસ કાફલો ગોઠવાયો હતો. સુરત ગ્રામ્ય DySP નિધિ ઠાકુરે વિરોધ કરી રહેલા લોકોને સમજાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યારબાદ પણ વિરોધ યથાવત રહેતા પોલીસે સખ્તી દાખવી આગેવાનોની અટકાયત કરી હતી.
સ્ટોન ક્વોરીનો વિરોધ યથાવત : સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામની સીમમાં ધમધમી રહેલા સ્ટોન ક્વોરી વિરુદ્ધ સ્થાનિકોએ બાયો ચડાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામજનો આ મામલે વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજરોજ ફરી એકવાર ગ્રામજનોએ સંપૂર્ણ ગામ સજ્જડ બંધ રાખી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોના વિરોધને લઈને જિલ્લા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
પોલીસ-જનતા આમનેસામને : પોલીસે વિરોધ કરી રહેલા ગ્રામજનોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. સુરત ગ્રામ્ય DySP નિધિ ઠાકુરની સમજાવટ છતાં ગ્રામજનોએ મચક ન આપતા પોલીસે સખ્તી દાખવી હતી. પોલીસે તમામ આગેવાનોને ડીટેઈન કરતા પોલીસ અને ગ્રામજનો વચ્ચે ધક્કામુક્કી પણ થઈ હતી.
શું છે સમગ્ર મામલો ? અરેઠ ગામની સીમમાં ધમધમી રહેલા સ્ટોન કવોરીના કારણે ગ્રામજનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. સ્ટોન કવોરીમાં કરવામાં આવતા બ્લાસ્ટને લઈને સ્થાનિકો ધરતીકંપ જેવા આંચકા અનુભવી રહ્યા છે. તેમજ તેમના ઘર અને બાંધકામને મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત પણ સ્ટોન ક્વોરીની અન્ય અસરો થતી હોવાથી ગ્રામજનો સ્ટોન ક્વોરીના વિરોધમાં છે.
તંત્રની કાર્યવાહી : સુરત ગ્રામ્ય પોલીસના DySP નિધિ ઠાકુરે જણાવ્યું હતું કે, ગ્રામજનો દ્વારા સ્ટોન કવોરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓને સમજાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ગ્રામજનોને સાથે રાખી મીટીંગ કરવામાં આવશે અને તપાસ પણ કરવામાં આવશે. નોંધનીય છે કે, આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા વચ્ચે સ્થાનિક નેતા મધ્યસ્થી કરી આ મામલાનો સુખદ અંત લાવે તે જરૂરી બન્યું છે.