વડોદરા: તાજેતરમાં તમિલનાડુના ઓથિવાક્કમ સ્થિત કમાન્ડો સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરને 50 વર્ષ પુરા થવાની ઉજવણી નિમિત્તે ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટ દ્વારા એક સ્પોર્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાંથી 16 પોલીસ અધિકારીઓ અને સમગ્ર ભારતમાંથી 31 જેટલી ટીમો ભાગ લીધો હતો. આ ભાગ લેનાર ટીમમાં પોલીસ કોપ અને અર્ધસૈનિક દળોની ટીમોનો સમાવેશ થાય છે.
ગુજરાત પોલીસને સ્પર્ધામાં 4 મેડલ: આ સ્પર્ધામાં સ્પેશિયલ બ્રાન્ચ બરોડા સીટી PSI સિયા જે. તોમરે 3 મેડલ જીતીને ડંકો દેશભરમાં ગુજરાતનો વગાડ્યો છે. અને ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યુ છે. શૂટિંગ સ્પર્ધામાં આ વખતે ગુજરાત પોલીસના બે-બે રેકોર્ડ નોંધાયા છે. પહેલી વખત ગુજરાત પોલીસને આ સ્પર્ધામાં 4 મેડલ મળ્યા છે.
કોણ છે સિયા જે. તોમર: ઓલ ઈન્ડિયા પોલીસ ડ્યુટી મીટમાં ગુજરાત રાજ્ય પોલીસ ટીમ માટે પણ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે PSI સિયા જે. તોમરે એક જ ખેલાડી તરીકે સ્પર્ધામાં ત્રણ મેડલ જીત્યા છે. એટલે કે ગુજરાતે જીતેલા 4 મેડલ પૈકી 3 તો માત્ર PSI સિયા જે. તોમરે જ જીત્યા છે. ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધામાં તમામ રાજ્ય પોલીસ અને ભારતના તમામ અર્ધસૈનિક દળોની ટીમોએ ભાગ લીધો હતો. PSI સિયા જે તોમર 2016થી વડોદરા ખાતે સેવા આપી રહ્યા છે. ત્યારે આ વખતે સ્પર્ધામાં 3 મેડલ લઈ આવતા સમગ્ર ગુજરાત પોલીસ અને પરિવારના લોકો પણ અનેરા ઉત્સાહમાં છે.
શુભેચ્છાઓનો વરસાદ: આર્મસ યુનિટ ડીઆઈજી વિશાલ વાઘેલા, ગુજરાતના ડીજીપી વિકાસ સહાય, ડો. પી. કે. રોશન, બરોડા સીટી કમિશનર નરસિંહમાં કોમર વગેરે દિગ્ગજ અધિકારી દ્વારા પણ પીએસઆઈ સિયા તોમરને અભિનંદન આપવામાં આવ્યા હતા.