નવસારી: જિલ્લામાં 1300 થી વધુ આંગણવાડીઓ આવી છે. જિલ્લાના 6 તાલુકાના કુલ 10 ઘટકોમાં અંદાજે 49 હજારથી વધુ બાળકો આંગણવાડીઓમાં આવતા હોય છે. જેમને સવારે પોષણક્ષમ નાસ્તો અને બપોરે ભોજન કરાવવામાં આવે છે. જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ સરકારી તંત્રની નીતિરીતીને કારણે SC બાળકો માટેની ગ્રાન્ટ 4 મહિનાથી લઇ 14 મહિનાથી આવી નથી.
એક બાળક પાછળ મહીને જે ખર્ચ આપવામાં આવે છે એ પૈસામાં હોય છે અને એની સામે ખર્ચ રૂપિયામાં થતો હોય છે. આંગણવાડી મહિલાઓનો પગાર 10 હજાર રૂપિયા છે. જેમાં ઘણી આંગણવાડીઓમાં મહીને 5 હજારથી વધુનો ખર્ચ થાય છે તો આંગણવાડી મહિલાઓ આંગણવાડીના બાળકોને ખવડાવે કે પોતાનો ખર્ચ કાઢે. વાંરવાર જિલ્લાથી લઇ સચિવાલય સુધી રજૂઆતો કર્યા બાદ પણ રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ ન ફાળવતા આંગણવાડી મહિલાઓની ધીરજ ખૂટી છે.
ગ્રાન્ટને કારણે મહિનાઓથી બીલ પાસ ન થતા નવસારી જિલ્લાની 919 આંગણવાડી મહિલાઓને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ આંગણવાડી મહિલાઓના મોબાઈલ ફોન, મોબાઈલ બીલ, કાયમી કરવા, પ્રમોશન જેવા અનેક પડતર પ્રશ્નો ઉપર પણ સરકાર ધ્યાન નથી આપી રહી. જેથી અક્રોષિત મહિલા કર્મચારીઓએ 16 અને 17 ફેબ્રુઆરી આંગણવાડીને તાળા મારી નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે ભેગા મળી સરકાર સામે સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. સાથે જ સરકાર દ્વારા વહેલી તકે ગ્રાન્ટ ફાળવવામાં આવે અને તમેના પડતર પ્રશ્નોનું પણ હકારાત્મક નિવારણ લાવે એવી માંગ કરી હતી.
ICDS અંતર્ગત કેન્દ્ર સરકાર 50 ટકા અને રાજ્ય સરકાર 50 ટકા ગ્રાન્ટ આપીને બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરે છે. જેમાં PFMS અંતર્ગત ગરમ નાસ્તાની ગ્રાન્ટ ન આવતા નવસારી જિલ્લાની આંગણવાડી મહિલાઓ ચિંતામાં મુકાઈ છે. વધતી મોંઘવારી વચ્ચે સરકાર દ્વારા નિયત ભાવોમાં બાળકોને પોષણક્ષમ નાસ્તો આપવાનો હોય છે અને તેની ગ્રાન્ટ ત્રણ કેટેગરીમાં અલગ અલગ આવે છે. સરકાર દ્વારા આંગણવાડીઓમાં ભૌતિક સુવિધા માટે ગ્રાન્ટ ફાળવી દેવામાં આવે છે, પણ નાસ્તાની ગ્રાન્ટ હજી ફાળવી નથી. જોકે નવસારી જિલ્લા ICDS દ્વારા સરકારમાં પત્ર લખીને ગ્રાન્ટ માંગવામાં આવી છે. જેમાં સેન્ટ્રલની ગ્રાન્ટ આવી છે, પણ રાજ્યની ગ્રાન્ટ આવી નથી. જોકે અઠવાડિયામાં સમસ્યાનું સમાધાન આવે એવી હૈયા ધરપત જિલ્લા વિકાસ અધિકારીએ આપી છે.
સમગ્ર રાજ્યમાં કુપોષણ નાથવામાં નવસારી જિલ્લો અગ્રેસર છે, પરંતુ ગ્રાન્ટના અભાવે બાળકોને પોષણક્ષમ આહાર આપનારી આંગણવાડી મહિલાઓની આર્થિક પોષણ છીનવાઈ રહ્યું છે. ત્યારે સરકાર વહેલી તકે ગ્રાન્ટ ફાળવવા સાથે આંગણવાડી કમર્ચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવે એજ સમયની માંગ છે.