વલસાડ: તાજેતરમાં એક વર્ષ પહેલા જ ધરમપુરના સ્વર્ગવાહીની નદી ઉપરના અંદાજિત 3 કરોડના ખર્ચે તૈયાર થયેલ બ્રિજની પ્રોટેક્શન દિવાલ પ્રથમ વરસાદે જ તૂટી પડી છે. આમ અચાનક બનેલી ઘટનાને પગલે બ્રિજ બનાવવાની કામગીરી કેવી થઇ હશે તે અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ફળ વેચવા ઉભેલા લારીવાળા પણ નીચે પટકાયા: બ્રિજની સાઈડ દીવાલ ઉપર આજે સોમવારે બજાર હોવાને કારણે ફળ વેચવા માટે ઉભેલા અનેક લારીવાળા બ્રિજની સાઈડ દિવાલ પાસે ઊભા હતા. જેને પરિણામે દીવાલ તૂટી પડતા તેઓ પણ લારી સાથે નીચે પટકાયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની બની નહીં પરંતુ લારીની અંદર મુકેલો મોટાભાગનો સામાન નીચે પડી જતા વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો.
અંદાજિત ત્રણ કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો: સ્વર્ગવાહીની નદી ઉપર બ્રિજ બનાવવાનું કામ લગભગ એક વર્ષ જેટલું ચાલ્યું હતું, જેને પગલે મુખ્ય માર્ગ એક વર્ષ સુધી બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજ બની ગયા બાદ પણ લોકાર્પણ માટે કોઈ પ્રતિનિધિ કે રાજકીય નેતા ન આવતા સ્થાનિક અગ્રણીઓ અને લોકોએ જાતે જ બ્રિજનું ઉદઘાટન કરી નાખ્યું હતું. એટલું જ નહીં આ બ્રિજ બન્યાના પ્રથમ ચોમાસે જ સામાન્ય વરસાદ થવાની સાથે જ બ્રિજનો એક તરફના ભાગની સાઇડિંગ દીવાલ તૂટી પડી છે, ત્યારે એજન્સી દ્વારા કેવા પ્રકારની કામગીરી થઈ હશે તે આ ઘટના જ દર્શાવવી આપે છે.
બ્રિજના ઉદ્ઘાટન માટે નાણામંત્રીએ બે વાર તારીખ કેન્સલ કરી: તમને જણાવી દઈએ કે, ધરમપુરમાં નાનાપોઢા તેમજ હનુમંતમાળ સહિતના ગામોમાં આવવા જવા માટે ઉપયોગી થઈ પડતી સ્વર્ગવાહીની નદી ઉપર એક વર્ષ પહેલા બનેલ બ્રિજના લોકાર્પણ માટે વહીવટી તંત્ર અને રાજકીય અગ્રણીઓ દ્વારા બે વાર તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ બંને વાર તારીખ ઉપર નાણામંત્રી હાજર રહ્યા ન હતા અને કેન્સલ રાખવામાં આવતા રાહ જોઈને થાકેલા લોકોએ જ બ્રિજનું ઉદઘાટન કરી નાખ્યું હતું.
સ્થાનિક લોકો દ્વારા એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગ: જે રીતે બ્રિજની કામગીરી ને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને દિવાલ તૂટી પડી છે, ત્યારે સ્થાનિક લોકોમાં સમગ્ર ઘટનાને લઈને એજન્સી સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને કાયમ માટે એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
હજુ ચોમાસાના ચાર માસ બાકી: હજુ ચોમાસાના ચાર માસ વરસાદ વરસવાનો બાકી છે. એવા સમયે બ્રિજની પ્રોટેકશન દીવાલ તૂટી પડવાની ઘટના બની છે, ત્યારે આગામી દિવસમાં પણ ફરીથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે નહીં તો વધુ કોઈ મોટી ઘટનાઓ બની શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ઘટના બનતા રોડ ઉપર બેરિકેટ મૂકી દેવાયા: સવારે બજાર ખુલ્લુ હતું અને ઘટના દરમિયાન મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ જોવા મળી હતી. અચાનક બનેલી ઘટનાને પગલે લોક ટોળું એકત્ર થઈ ગયું હતું. ઉપરાંત અન્ય કોઈ મોટી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ઘટના સ્થળે બેરીકેટ મૂકવામાં આવ્યા છે. આમ ધરમપુરમાં બનેલી ઘટનાએ એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીની પોલ ખોલી નાખી છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલો બ્રિજની પ્રોટેક્શન દિવાલ પ્રથમ વરસાદમાં જ તૂટી પડતા એજન્સીની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો તેને ફરીથી સમારકામ કરવાની કામગીરી હાથ ધરમાવવામાં આવશે તેવી જાણકારી વહીવટી તંત્ર તરફથી મળી રહી છે.