અમદાવાદ: લોકસભા ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આજે તેમના માદરે વતન ગુજરાતની મુલાકાતે છે. વહેલી સવારે PM મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમુલ ફેડરેશનના ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમમાં PM મોદી હાજર રહ્યા. નમો સ્ટેડિયમમાં PM મોદીએ ઓપન જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ સાથે સવાર થઈ અભિવાદન ઝીલ્યું હતું.
દેશના પશુધનને કર્યા પ્રણામ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GCMMFની સુવર્ણ જયંતી ઉજવણી નિમિતે 1 લાખ ડેરી ખેડૂતોને સંબોધિત કરી લાખો ડેરી ખેડૂતોને સશક્તિકરણ કરવાની GCMMF ની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાઓએ મળીને જે છોડ ઉગાડ્યો હતો આજે વિશાળ વટવૃક્ષ બની ગયો છે. તેની શાખાઓ વિદેશ સુધી ફેલાઈ ગઈ છે. દેશના પશુધનને હું કોટી કોટી પ્રણામ કરું છું. તેમના વિના ડેરી સેક્ટરની કલ્પના કરવી મુશ્કેલ છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે આધુનિકતાને સ્વીકારે એ સહકારી માળખું.
ડેરી સાથે 8 કરોડ લોકો સીધા જોડાયેલા: આઝાદી પછી દેશમાં ઘણી બ્રાન્ડ આવી પણ અમુલ જેવી કોઈ બની શકી નહીં. અમૂલ વિશ્વની આઠમી સૌથી મોટી ડેરી છે. જેને તમારે એક નંબર પર લઈ જવાની છે.આજે દુનિયાના 50 દેશમાં અમુલની પ્રોડક્ટ નિકાસ થાય છે. દેશમાં ડેરી સાથે આજે 8 કરોડ લોકો સીધા સંકળાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં દેશમાં પ્રતિ વ્યક્તિ દૂધ ઉપલબ્ધિમાં 40 ટકાનો વધારો થયો છે. જ્યારે દેશમાં છેલ્લા 10 વર્ષમાં દૂધ ઉત્પાદનમાં 60 ટકાનો વધારો નોંધાયો છે. દેશમાં 10 હજાર ખેડૂત સંઘ છે. પશુપાલકો માટે 30 હજાર કરોડનું એક અલગ ફંડ બનાવ્યું છે. આજે દુનિયામાં સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ આપણો છે.
ડેરી ઉદ્યોગ 70 ટકા ફાળો મહિલાઓનો: વિશ્વમાં ડેરી ઉદ્યોગ 2 ટકાના દરે વૃદ્ધિ પામે છે, ત્યારે ભારતમાં ડેરી ઉદ્યોગ 6 ટકાના દરે વધે છે. દેશમાં ડેરી ઉદ્યોગનું કદ 10 લાખ કરોડ છે. જેમાં 70 ટકા ફાળો મહિલાઓનો છે. દેશમાં મહિલા સ્વ સહાય જૂથને ભાજપ સરકારે છ લાખ કરોડની મદદ કરી છે. દેશમાં ઘર વિહોણા ૪ કરોડ ઘર આપ્યા છે. જેમાં મોટા ભાગની મહિલાઓ છે હવે નમો ડ્રોન દીદી યોજના થકી મહિલાઓ ખેતરમાં જંતુ નાશકનો છંટકાવ કરશે. 21 ફેબ્રુઆરીની મોડી રાતે અમારી ભાજપ સરકારે નેશનલ લાઇવ સ્ટોક મિશનમાં સંશોધન કરી પશુધન માટે પણ ખેડૂતને ફાયદો થાય તેવી વીમા યોજના અંગે નિર્ણય કર્યા છે.
GCMMF, જેને અમૂલ ફેડરેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની ડેરી સહકારી સંસ્થા છે. ગુજરાતમાં ડેરી સહકારી સંઘોની સર્વોચ્ચ સંસ્થા છે, જે 'અમૂલ' બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. GCMMF 9 જુલાઈ, 1973 ના રોજ અસ્તિત્વમાં આવ્યું, જ્યારે અમૂલ બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવા માટે ભારતના મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘો એક સાથે આવી. અમૂલ ફેડરેશન હાલમાં 18 દૂધ સંઘો ગુજરાતના 18,600 ગામોમાં 36 લાખથી વધુ ખેડૂતો ધરાવે છે.
50થી વધુ દેશોમાં નિકાસ: અમૂલ ફેડરેશનની દૂધ સંઘો દરરોજ 3 કરોડ લિટરથી વધુ દૂધની ખરીદી કરે છે. અમૂલ ફેડરેશન 50થી વધુ દેશોમાં નિકાસ કરવા ઉપરાંત સમગ્ર ભારતમાં 86 શાખાઓ, 15000 વિતરકો અને 10 લાખ રિટેલર્સના નેટવર્ક દ્વારા 50થી વધુ ડેરી ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણી ડેરી ઉદ્યોગમાં સમર્પણ, નવીનતા અને શ્રેષ્ઠતાના પચાસ વર્ષ દર્શાવે છે. તે તમામ હિતધારકોના સામૂહિક પ્રયાસોનો પુરાવો છે જેમણે તેની નોંધપાત્ર યાત્રામાં યોગદાન આપ્યું છે. આ ઇવેન્ટ માત્ર ભૂતકાળની સિદ્ધિઓને જ નહીં પણ વધુ આશાસ્પદ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરશે.
અમૂલ ફેડરેશનનું જૂથ ટર્નઓવર છેલ્લા નાણાકીય વર્ષમાં 72,000, કરોડ રહ્યુ હતુ. અમૂલને ભારતની સૌથી મોટી FMCG બ્રાન્ડ અને વિશ્વની 8મી સૌથી મોટી ડેરી સંસ્થા બનાવી. છેલ્લાં 50 વર્ષોમાં, GCMMF ડેરી ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનવાના સિદ્ધાંતને સાચા રાખવામાં સફળ રહ્યું છે. અમૂલ ફેડરેશન ના દુધ સંઘો દ્વારા દૂધ અને દૂધ ઉત્પાદનોની માંગને પહોંચી વળવા દેશભરમાં 98 ડેરી પ્લાન્ટનું નેટવર્ક સ્થાપ્યું છે
મહેસાણામાં રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ: વડાપ્રધાન અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા 12:35 કલાકે મહેસાણા પહોંચશે. મહેસાણા જીલ્લાનાં તરભ ખાતે નિર્માણ થયેલ વાળીનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. તરભ ખાતે વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. PM મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત 13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. 2300 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ્સ થકી કચ્છના રણ, જોધપુર, બિકાનેર, આબુ રોડ વગેરે જેવા પ્રવાસન સ્થળો વચ્ચે જોડાણને વેગ આપશે. વિશાળ માલધારી સમાજના સમૂહને સંબોધન કરશે.
નવસારીમાં PM મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત: PM મોદી 4:15 કલાકે નવસારી પહોંચશે, જ્યાં કાંઠાના વાંસી ગામે 1141 એકરમાં પ્લગ એન્ડ સ્ટાર્ટ પ્રકારે શરૂ થનારા PM મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરશે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. PM MITRA પાર્કની સ્થાપનાનો હેતુ ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો છે. નવસારીમાં જાહેર જનતાને સંબોધન કરી સાંજે 6:15 વાગ્યે કાકરાપારના એટોમિક પાવર પ્રોજેક્ટ્સની મુલાકાત લેશે. ત્યાંથી સુરત એરપોર્ટથી વારાણસી જવા રવાના થશે.
વડાપ્રધાન મોદી 24 તેમજ 25ના રોજ ફરી ગુજરાત આવશે. આ દરમ્યાન વડાપ્રધાન રાજકોટ ખાતે ગુજરાતની પ્રથમ એઈમ્સનું લોકાર્પણ કરશે. તેમજ દ્વારકા ખાતે બનેલ સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કરશે.